(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
જમ્મુના નગરોટા જિલ્લામાં ચાર આતંકવાદીઓને ઠાર મરાયાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે વિનાશ અને બરબાદીને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોનો આભાર માન્યો છે. વડાપ્રધાને ટિ્વટમાં લખ્યું કે, ભારે વિનાશ અને બરબાદી કરવાન સંકેત સાથે મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો લાવનારા પાકિસ્તાન ખાતેના જૈશે મોહંમદના આતંકવાદી સંગઠનના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આતંકવાદીઓ પાસેથી ૧૧ એકે-૪૭ રાયફલ, ત્રણ પિસ્તોલ અને ૨૯ ગ્રેનેડ મળી આવ્યા છે. શુક્રવારે વડાપ્રધાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન અને ટોચના ગુપ્તચર અધિકારીઓ સાથે નગરોટામાં આતંકવાદીઓને ઠાર કરવા મુદ્દે સમીક્ષા બેઠક કરી હતી. એવું જાણવા મળ્યું હતું કે, આતંકવાદીઓ ૨૬/૧૧ જેવો મોટો હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા. પીએમ મોદીએ ટિ્વટમાં કહ્યું કે, આપણા સુરક્ષા દળોએ ફરી એકવાર સૌથી વધુ બહાદૂરી અને કુશળતાબતાવી છે. તેમની સાવચેતીનો આભારી છું, જમ્મુ-કાશ્મીરમાં લોકશાાહી પ્રક્રિયાના આધારભૂત સ્તરને નિશાન બનાવવાના અધમ કૃત્યને નિષ્ફળ બનાવ્યું છે. ગુરૂવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે જમ્મુના જિલ્લાના નગરોટામાં એક ટોલ પ્લાઝા પર વહેલી સવારે અથડામણ થઇ હતી. આ અથડામણ ત્રણ કલાક જેટલી લાંબી ચાલી હતી જેમાં તમામ આતંકવાદીઓ ઠાર કરાયા હતા. જમ્મુ ઝોનના આઇજી મુકેશસિંહે જણાવ્યું હતું કે, ઝડપાયેલા હથિયારોથી સંકેત મળે છે કે, આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. તેમનું નિશાન જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી ચૂંટણીઓને ખોરવવાનો પણ હોઇ શકે છે. પોલીસે આવી કોઇ શક્યતા બાકી રાખી નથી. આ ચૂંટણીઓ ૨૮ નવેમ્બર અને ૧૯ ડિસેમ્બર વચ્ચે આઠ તબક્કામાં યોજાશે. મતગણતરી ૨૨મી ડિસેમ્બરે થશે. સિંહે કહ્યું કે, તેઓ મોટા હુમલાની યોજના કરતા હોવાની શક્યતા હતી. આ હથિયારો પકડાવા પરથી કહી શકાય. ચૂંટણીઓને નિશાન બનાવવાની યોજના હોઇ શકે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ.