ભાવનગર,તા.ર
તાજેતરમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ (એટ્રોસિટી એકટ)ને સુપ્રીમ કોર્ટના જજ દ્વારા નબળો પાડવામાં આવ્યો છે તેની સામે સમગ્ર દેશમાં વિરોધનું વંટોળ ફુંકાયું છે. આજે દલિત સમાજના જુદા જુદા સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં પણ તેની અસર જોવા મળી હતી. દલિત સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં આજે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. શહેરના મોતી બાગ ટાઉન હોલ, જસોનાથ ચોક, કાળાનાળા સહિતના વિસ્તારોમાં ટાયરો સળગાવી ચક્કાજામ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં શહેરના કાળાનાળા, શેલારશા ચોક વિસ્તારમાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. શહેરના એમ.જી. રોડ, હાઈકોર્ટ રોડ, મોતીબાગ રોડ, ખેરગેઈટ વિસ્તાર, જશોનાથ ચોક વિસ્તાર સહિતના વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી દલિત સમાજના આગેવાન કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ ઉપરાંત સમસ્ત દલિત સમાજ ભાવનગર દ્વારા જુદા જુદા સ્થળોએથી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ, ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને દલિત સમાજના આગેવાનોએ સંબોધી હતી. ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા, પરેશ ધાનાણી, રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવકતા શકિતસિંહ ગોહિલ, કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ સહિતના નેતાઓએ સભાને સંબોધી હતી કોંગ્રેસ પક્ષે દલિત સમાજની માગણીઓને સમર્થન આપ્યું હતું અને દલિત સમાજનું માન-સન્માન જળવાઈ રહે અને દલિત સમાજને કોઈપણ બાબતે અન્યાય ન થાય તેમ કોંગી આગેવાનોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત આજરોજ સોમવારે સમસ્ત દલિત સમાજ દ્વારા રેલીઓ યોજી ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તે વેળાએ ભાવનગર દલિત સમાજના આગેવાનો જેમાં ખાસ કરીને ગઢડા ઉમરાળા કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારૂ, રમેશભાઈ ગીલાતર, નગરસેવક અરવિંદ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય ભાણજીભાઈ સોસા, એડવોકેટ વિજય મારૂ, જીવરાજભાઈ અંજારા, રઘુ ડાભી, પૂર્વ મેયર ગીરધર પડાયા, કે.પી. રાઠોડ, નલિન પટેલ, સહિતના દલિત સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ-બહેનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.