ભાવનગર, તા.૧૩
ભાવનગરમાં પ૦ માઈક્રોનથી ઓછુ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર મ્યુ.કમિશનરે જાહેરનામુ ફરમાવ્યું છે.
મ્યુ. કમિશનર એમ.એ. ગાંધીની સુચનાથી ગતરોજ શહેરમાં પ્લાસ્ટિક ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર આર.જી. શુક્લની આગેવાનીમાં કોર્પોરેશનના ૭પથી ૮૦ કર્મચારીઓએ શહેરના તમામ ૧૩ વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોમાં જઈ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખાસ કરીને દ્રભડી વખાર, મામા ખાંડણિયા વગેરે સ્થળોએ પ્લાસ્ટિકના હોલસેલ વેપારી ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી ચા, પાન-માવા, કરિયાણાની દુકાનો, ખાણી-પીણીનીલારીઓ સહિતના સ્થળોએ પાણીના પાઉચ, પ્લાસ્ટિકના ચાના કપ, હલકી ગુણવત્તાવાળા ઝભલા વગેરેનું ચેકિંગ કરતા ૮૭ આસામી પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જેમની પાસેથી મહાનગરપાલિકાએ સ્થળ પર રૂા.૩૩,૬પ૦નો દંડ વસુલ્યો હતો. મહાપાલિકા દ્વારા શરૂ કરાયેલ પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્તની ઝુંબેશ આગામી દિવસોમાં પણ શરૂ રહેશે. તેમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કા.ઈ. આર.જી. શુક્લએ એમ કહ્યું હતું.