(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૬
ભાવનગર જિલ્લા પંચાયતના હોલમાં પ્રમુખ વકતુબેનના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. આ ખાસ સભામાં કારોબારી સહિત આઠ સમિતિની રચના માટે સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. વહેલી સવારથી રાજકીય માહોલ ગરમાયો હતો. ભાજપ કે કોંગ્રેસ બેમાંથી એક પક્ષના સભ્યો પક્ષ વિરૂદ્ધમાં મતદાન કરે અથવા ગેરહાજર રહે તેવી સમિતિની રચનામાં તોડફોડ થાય તેવી શક્યતાઓ સાથે ભાવનગર સીટી ડી.વાય.એસ.પી. મનિષ ઠાકર સહિતનો મસમોટો કાફલો જિલ્લા પંચાયત હોલની આસપાસ અને પટાંગણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ સમિતિઓની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી વેળાએ પ્રેસ મીડિયાને પણ દૂર રખાયા હતા. હોલમાં પ્રવેશ અપાયો નહતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેનના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા પંચાયતની કારોબારી સહિતના જુદી/જુદી આઠ જેટલી સમિતિઓના સદસ્યોની ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના કુલ ૪૦ પૈકીના ૩૮ સભ્યો હાજર રહ્યા હતા. મતદાન વેળાએ કોંગ્રેસના બે સદસ્યો કલ્પનાબા અમિતસિંહ ગોહિલ (ઘોઘા બેઠકના સદસ્ય) તથા વિજુબેન ભરતભાઈ કંટારિયા (હાથબ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય) આ બન્ને સભ્યો આજે ગેરહાજર રહેતા અને મતદાન થતાં ભાજપને ર૦ અને કોંગ્રેસને ૧૮ મતો મળતા ભાજપને બહુમતી સાબિત થતાં ભાજપના કારોબારી સહિતના આઠે/આઠ કમિટીમાં સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા.
આજે ભાવનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિની પુનઃ રચના કરવામાં આવી હતી અને તે માટેની ચૂંટણી આજે યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને ર૦ મતો મળતા તમામ સમિતિમાં ભાજપના સભ્યો બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના વિજુબેન ભરતભાઈ કંટારિયા ગેરહાજર રહ્યા હતા. તેઓ ભાજપમાં જોડાયા હતા. આ અંગે આસપાસ સાથે ટેલિફોનીક વાતચીતમાં ભાજપના પ્રવકતા કિશોરભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, વિજુબેન ભરતભાઈ કંટારિયા, કલ્પનાબા અમિતસિંહ ગોહિલ બન્ને જિલ્લા પંચાયતના સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ કંટારિયા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન બારૈયા સહિતના ભાજપના આગેવાનોએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સદસ્યોને આવકારી શુભેચ્છા પાઠવી હતી.
કારોબારી સહિતની સમિતિના સભ્યોની ચૂંટણી વેળાએ કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા ભાજપને ર૦ અને કોંગ્રેસને ૧૮ મત મળતા ભાજપના તમામ સભ્યો બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.