રમઝાન સંદેશ-૧૩
સારા સંબંધો કેળવવામાં ભેટ-સોગાદોનું મહત્ત્વ હંમેશાથી છે. તેની આપ-લેથી સામીપ્ય વધે છે અને સંબંધો મજબૂત થાય છે. ઈસ્લામે આ સૌહાર્દસભર કાર્યને પ્રોત્સાહિત કર્યું છે. અલ્લાહના પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ને એક વખતે દુમતાના ખ્રિસ્તી બાદશાહે રેશમી કપડાંની ભેટ મોકલી.(બુખારી) જ્યારે ઈસ્કંદરીયા (ઈજિપ્ત)ના હાકેમ મકોકસને પયગંબર (સ.અ.વ.)એ પોતાનો પત્ર એક એલચી દ્વારા મોકલ્યો, ત્યારે તેણે પણ ઘણી ભેટસોગાદો પયગંબર (સ.અ.વ.)ની સેવામાં મોકલી. (ઈબ્નુલ અસીર) પયગંબર (સ.અ.વ.)ના સાથી હઝરત બિલાલ રદિ.નું કથન છે કે એક પ્રસંગે ફિદકના શાસકે ચાર ઊંટણીઓ સામાન અને કપડાંથી લદાયેલી પયગંબર (સ.અ.વ.)ને ભેટ તરીકે મોકલી.(સુનન્ અબૂ દાઉદ) આમ, આ અને આવી ઘણી ભેટસોગાદોનો, જે બિન મુસ્લિમો તરફથી આવતી હતી, તે તમામનો પ્રસન્નતાપૂર્વક હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ સ્વીકાર કર્યો અને તેના સામે આપ પણ આ રીતે ભેટ સોગાદો મોકલતા રહેતા. આપના સાથીઓ (રદિ.) પણ આ પ્રમાણે પોતાના બિનમુસ્લિમ સગા-સંબંધીઓ અને મિત્રોને ભેટસોગાદો આપતા લેતા રહેતા હતાં.
આદર માન અને સન્માન
આનંદદાયક અને રૂચિકર સામાજિકતા માટે જરૂરી છે કે સમાજના તમામ લોકોના સાથે સારો અને સુંદર વ્યવહાર કરવામાં આવે. તેમના સાથે આદર માનથી વર્તવામાં આવે. તેમને સારી રીતે સંબોધિત કરવામાં આવે અને તેમના સાથે એવો વર્તાવ ન કરવામાં આવે, જેનાથી તેઓ પોતાનું અપમાન કે અનાદર અનુભવે. ઈસ્લામ સમાજના બધા વર્ગોના લોકો સાથે સમાન વ્યવહારનો આદેશ આપે છે. તેણે જેમ મુસલમાનો સાથે ભાઈચારા, પ્રેમ અને સમાનતા અને અપનત્વનો વ્યવહાર કરવાની શિક્ષા આપી છે; તે જ રીતે અન્ય ધર્મોના અનુયાયીઓ અંગે પણ તેણે આદર-માનની તાકીદ કરી છે.
એક પ્રસંગે પયગંબર (સ.અ.વ.)ને એક એવી સભામાં જવાનું થયું, જ્યાં મુસલમાનો સાથે યહૂદીઓ અને મુશરીકો પણ બેસેલા હતાં, ત્યાં પહોંચતા જ આપ (સ.અ.વ.)એ સૌને સલામ કર્યો. (બુખારી) એક વખતે હઝરત ઈબ્ને અબ્બાસ રદિ.એ કહ્યું, “સલામનો જવાબ આપો, ચાહે સલામ કરનાર યહૂદી હોય કે ખ્રિસ્તી હોય કે અગ્નિપૂજક.” તે સાથે તેમણે એમ પણ કહ્યું કે, “એટલા માટે કે અલ્લાહ ફરમાવે છે કે “…અને જ્યારે તમને કોઈ આદરપૂર્વક સલામ કરે તો તેને તેનાથી વધારે સારી રીતે જવાબ આપો અથવા ઓછામાં ઓછું તેવી જ રીતે…” (કુર્આન, ૪ઃ૮૬) (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)