મુરાદાબાદના અમરોહા ગેટ પર સ્થિત હનુમાન મંદિરમાં, એક પૂજારીએ એક દલિત મહિલાને પ્રાર્થના કરતા અટકાવી, પુજારી સચિન શર્માએ જાતિવાદી અપશબ્દોથી મહિલાનું અપમાન કર્યું
(એજન્સી) મુરાદાબાદ, તા.૧૪
કોતવાલી વિસ્તારમાં અમરોહા ગેટ પર સ્થિત હનુમાન મંદિરમાં પૂજા કરવા આવેલી એક દલિત મહિલાને પુજારીએ પ્રવેશવાની મંજૂરી આપી ન હતી. જ્યારે મહિલાએ પૂજા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે જાતિવાદી અપશબ્દોથી તેનું અપમાન કર્યું. પુજારીએ તેણે લાવેલ પ્રસાદ પણ ફેંકી દીધો હતો. પોલીસે ફરિયાદના આધારે પુજારી વિરૂદ્ધ FIR દાખલ કરી છે. મજોલાના બુદ્ધિ વિહારની રહેવાસી સુષ્માએ કોતવાલી પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે અવારનવાર અમરોહા ગેટ પાસે સ્થિત હનુમાન મંદિરમાં જાય છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, સાંજે ૭ વાગ્યે, તે મંદિરમાં પ્રાર્થના કરવા ગઈ હતી. નાગફણીના નવાબપુરા રોડ પર આવેલા દીવાન બજારના રહેવાસી મંદિરના પૂજારી સચિન શર્માએ મહિલાને જોયા પછી તેને પૂજા કરવા દેવાનો ઇન્કાર કર્યો હતો. તેમ છતાં મહિલાએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પૂજારી ગુસ્સે ભરાયા અને તેના હાથમાંથી પ્રસાદ છીનવી લીધો અને ફેંકી દીધો. તેણે જાહેરમાં જાતિવાદી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. હંગામો સાંભળીને, લોકો નજીકમાં ભેગા થયા. તેઓએ પૂજારીને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેણે સાંભળવાનો ઇન્કાર કર્યો. પૂજારીએ જાહેરમાં જાતિવાદી અપશબ્દો બોલીને તેનું અપમાન કર્યું અને જો તે મંદિરમાં પાછી ફરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાસ્થળે હાજર રાહદારીઓએ પણ વિરોધ કર્યો. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ રાજેશે જણાવ્યું કે ફરિયાદના આધારે પૂજારી સચિન શર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઘટના જૂની છે. સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ નથી, પરંતુ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.