સિવિલ ડિફેન્સે બાદમાં પુષ્ટિ કરી કે જોખમ ટળી ગયું છે અને રહેવાસીઓને સલામતી સૂચનાઓનું પાલન ચાલુ રાખવા અનુરોધ કર્યો
(એજન્સી) તા.ર૪
સઉદી અરેબિયાના ‘નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ’ (રાષ્ટ્રીય પ્રારંભિક ચેતવણી મંચ) દ્વારા ગુરૂવાર, ૨૪ સપ્ટેમ્બરના રોજ મક્કા શહેર, તાઈફ ગવર્નરેટ, તબુક પ્રાંત, જેદ્દાહ ગવર્નરેટ અને તાનબુ ગવર્નરેટ માટે ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મે ચેતવણી મેળવનાર લોકોને સત્તાવાર સલામતી સૂચનાઓનું પાલન કરવા અને જોખમ ટળી ન જાય ત્યાં સુધી સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવ્યું હતું. સઉદી સિવિલ ડિફેન્સે બાદમાં જાહેરાત કરી હતી કે જોખમ સમાપ્ત થઈ ગયું છે. તેમણે જનતાને સૂચનાઓનું પાલન ચાલુ રાખવા અને ભીડ એકઠી કરવા કે વીડિયો શૂટિંગ કરવાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. સલામતી માર્ગદર્શિકામાં ઘરની અંદર રહેલા લોકોને અંદર જ રહેવાની અને બારીઓ, કાચ, બાલ્કની અને છતથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. બહાર રહેલા લોકોને નજીકની ઇમારતમાં અથવા મજબૂત અવરોધની પાછળ આશરો લેવાનું કહેવામાં આવ્યું હતું. જે વાહનચાલકોને ચેતવણી મળી હતી તેમને પુલ અને ઊંચી ઇમારતોથી દૂર વાહન ઊભું રાખવાની સલાહ આપવામાં આવી હતી. લોકોને જોખમી સ્થળોએ જવાનું ટાળવા અને પરિસ્થિતિના ફોટા પાડવાનું કે ફૂટેજ રેકોર્ડ કરવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું હતું.