હૌથી પ્રવક્તાએ એવો પણ આરોપ લગાવ્યો કે સઉદીના હવાઈ હુમલાઓને કારણે યમનના વિવિધ વિસ્તારોમાં નાગરિકોના મોત થયા છે અને તેઓ ઘાયલ થયા છે
(એજન્સી) મદીના, તા.૧૬
સઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને જાહેરાત કરી છે કે રવિવાર, ૧૫ નવેમ્બરના રોજ મદીના ક્ષેત્રમાં સાઉદીની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ એક ડ્રોનને અટકાવીને તેને તોડી પાડ્યું હતું. ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલ્કીએ ‘X’ (ટિ્વટર) પર શેર કરેલા એક નિવેદનમાં આ ડ્રોનને તોડી પાડવાની પુષ્ટિ કરી હતી. જોકે, હૌથી સૈન્ય પ્રવક્તા યહ્યા સરીએ આ જાહેરાતને નકારી કાઢી હતી. તેમણે તેને “જૂઠ” ગણાવ્યું અને સ્પષ્ટ કર્યું કે તેમના જૂથે આ વિસ્તાર તરફ કોઈ ડ્રોન મોકલ્યું નથી. સરીએ દાવો કર્યો હતો કે હુથીઓની સૈન્ય કાર્યવાહીનો લક્ષ્યાંક મક્કા અને મદીના જેવા પવિત્ર શહેરો નહીં, પરંતુ સાઉદીના તેલ સુવિધાઓ અને સૈન્ય મથકો હતા. રવિવારે અન્ય નિવેદનોમાં, સરીએ સઉદી અરેબિયા પર આરોપ લગાવ્યો કે છેલ્લા ૨૪ કલાકમાં તેમણે યમનના પાંચ પ્રાંતોમાં ૭૫ હવાઈ હુમલા અને મિસાઈલ હુમલા કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે આ હુમલાઓ સાદા, તાઈઝ, લાહજ, અલ-જૌફ અને મારબમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જેના પરિણામે નાગરિકોના મોત થયા છે અને તેઓ ઘાયલ થયા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે સંઘર્ષ વધ્યા ત્યારથી અત્યાર સુધીમાં સાઉદી દ્વારા કરવામાં આવેલા હવાઈ અને મિસાઈલ હુમલાઓની કુલ સંખ્યા ૫,૦૯૫ પર પહોંચી ગઈ છે. આ આંકડાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. સરીએ અલગથી દાવો કર્યો કે હૌથી દળોએ અલ-જૌફ પ્રાંતમાં સાઉદીના ‘CH-4’’ સશસ્ત્ર જાસૂસી ડ્રોનને તોડી પાડ્યું છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ શરૂ થયા પછી તેમના દળો દ્વારા તોડી પાડવામાં આવેલું આ પાંચમું વિમાન છે. તેમણે એવો પણ દાવો કર્યો કે હૌથી દળોએ યમનમાં બનેલી ‘સરફેસ-ટુ-એર’ (જમીનથી હવામાં પ્રહાર કરતી) મિસાઈલોનો ઉપયોગ કરીને સઉદી સૈન્ય ટુકડીઓને પાછી હઠાવી દીધી હતી, જેના કારણે તેમને પીછેહઠ કરવી પડી હતી. અન્ય એક નિવેદનમાં, સરીએ ફૂટેજ જાહેર કર્યા, જે તેમના જણાવ્યા અનુસાર યમનના લહિજ ગવર્નોરેટના અલ-મુદરીબાહ અને અલ-આરાહ જિલ્લાઓમાંથી સઉદી દળોને હાંકી કાઢવામાં આવ્યા હોવાનું દર્શાવે છે. તેમણે સઉદી અધિકારી બદ્ર અલ-હરબીને આ દળોના કમાન્ડર તરીકે ઓળખાવ્યા. આ તાજેતરની ઘટનાક્રમ સાઉદી અરેબિયા અને હૌથીઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષની વચ્ચે સામે આવ્યો છે, જેમાં બંને પક્ષો લશ્કરી કાર્યવાહી અંગે પરસ્પર વિરોધાભાસી દાવાઓ કરી રહ્યા છે.