(એજન્સી) મદુરાઈ, તા.૨૧
મંદિર ઉત્સવ દરમિયાન થયેલા વિવાદને પગલે શુક્રવારે અવનિયાપુરમમાં યુવાનોના એક જૂથ દ્વારા ૩૪ વર્ષીય દલિત વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. પીડિત પરિવારે શનિવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં સામેલ તમામ લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. મૃતકની ઓળખ અવનિયાપુરમના બાલાજી તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ૧૨ જૂને યોજાયેલા વીરકાલીયમ્માન મંદિર ઉત્સવ દરમિયાન બાલાજીએ સંજયને કાર્યક્રમમાં હાજરી આપતી મહિલાઓ સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા બદલ પૂછપરછ કર્યા બાદ બાલાજી અને મારાવર સમુદાયના સંજય રામાસ્વામી તરીકે ઓળખાતા એક વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ, સંજય અને અન્ય પાંચ લોકોએ અવનિયાપુરમ નજીક બાલાજી અને તેના મિત્ર રાજા હુસૈનનો પીછો કર્યો અને તલવારો વડે હુમલો કર્યો. રાજા હુસૈન નાની ઈજાઓ સાથે ભાગી ગયો હતો, જ્યારે બાલાજીને માથામાં ઘણી ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. રાજા હુસૈનને સારવાર માટે સરકારી રાજાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે, અવનિયાપુરમ પોલીસેSC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો.