(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૬
ઉત્તરપ્રદેશ શિયા વકફ બોર્ડના પ્રમુખ વસિમ રિઝવીના મદ્રેસાઓ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ નિવેદનને ફગાવતા રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષ સૈયદ ગૈયુરૂલ હસન રિઝવીએ જણાવ્યું હતું કે, મદ્રેસાઓને આતંકવાદ સાથે જોડવું ‘હાસ્યાસ્પદ’ છે કેમ કે, અહીંથી ભણનારા બાળકો હવે આઇએએસ અધિકારી સુધી પણ બની રહ્યા છે. કેટલાક દિવસ પહેલા જ વસિમ રિઝવીએ મદ્રેસાઓ પર આતંકવાદને પ્રોત્સાહનનો આરોપ લગાવી કેમને બંધ કરવાની માગ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.
લઘુમતી પંચના અધ્યક્ષ રિઝવીએ જણાવ્યું હતું કે, ‘મદ્રેસાઓને આતંકવાદ સાથે જોડવાના પ્રયાસ બાળકો જેવી અને હાસ્યાસ્પદ છે. એક અથવા બે ઘટનાઓને લઇ મદ્રેસાઓને બદનામ કરાઇ ન શકાય. આજના સમયમાં મદ્રેસાઓમાંથી ભણનારા બાળકો આઇએએસ અધિકારી પણ બની રહ્યા છે અને અન્ય ક્ષેત્રોમાં પણ નામ કમાવી રહ્યા છે. હું એમ કહી રહ્યો છું કે, મદ્રેસાઓ આતંકવાદી નહીં પરંતુ આઇએએસ પેદા કરે છે. એવા ઘણા દાખલા છે જેમાં મદ્રેસાઓમાં ભણેલા બાળકોએ યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી છે. દારૂલ ઉલૂમ દેવબંદમાંથી ભણનારા મૌલાના વસીમુર રહમાને ૨૦૦૮માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. તેમણે ૪૦૪મી રેન્ક મેળવી હતી. ઉત્તરપ્રદેશના મઉ જિલ્લામાં મદ્રેસા ‘અલી અરબિયા’માંથી ભણનારા મૌલાના હમ્માદ જફરે ૨૦૧૩માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને તેમને ૮૨૫મી રેન્ક મળી હતી. ગૈયુરૂલ હસને રિઝવીને જણાવ્યું કે, એવું સાંભળવામાં આવ્યંુ છે કે, વસિમ રિઝવી પર ઘણા કેસો ચાલી રહ્યા છે અને તેઓ સરકારની નજરમાં સારા દેખાવા માટે આ પ્રકારની પાયાવિનાની વાતો કરી રહ્યા છે. પરંતુ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, સરકારને આમની વાતો પર ભરોસો નથી. સરકાર તો મદ્રેસાઓના આધુનિકીકરણ અને તેને આગળ વધારવા માગે છે. ઉત્તરપ્રદેશમાંથી જ આવતા લઘુમતી પંચના અધ્યક્ષે કહ્યું કે, હું તાજેતરના સમયમાં ઘણા મદ્રેસાઓમાં ગયો અને જોયું કે, અહીં ઘણું પરિવર્તન આવી ગયું છે. મદ્રેસાઓમાં હવે આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. જે મદ્રેસા આધુનિક શિક્ષણથી દૂર છે સરકાર તેમના માટે પણ કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસિમ રિઝવીએ આઠમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી મદ્રેસાઓને ‘માનસિક કટ્ટરવાદ’ને પ્રોત્સાહન આપનારા ગણાવતા તેમને શાળામાં ફેરવી નાખવા અને તેમાં ઇસ્લામિક શિક્ષણને વૈકલ્પિક બનાવવાનો અનુરોધ કર્યો હતો. રિઝવીએ પત્રમાં એવોપણ દાવો કર્યો હતો કે, મદ્રેસાઓમાં ખોટું શિક્ષણ મળવાને કારણે તેમના વિદ્યાર્થીઓ ધીમે-ધીમે આતંકવાદ તરફ આગળ વધી રહ્યા છે. આ વિવાદિત નિવેદનને લઇ ટોચના મુસ્લિમ સંગઠન જમીયતે ઇસ્લામી હિંદે વસિમ રિઝવીને કાનુની નોટિસ મોકલી તેમની પાસેથી ૨૦ કરોડ રૂપિયાનો દંડ માગ્યો છે.