(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧પ
બાયડ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ પરાકાષ્ટએ પહોંચ્યો છે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કરતા બેરોજગાર યુવાનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બાયડમાં ભાજપના ત્રણ દાયકા જેટલા શાસનમાં વહીવટી તંત્રની સરેઆમ નિષ્ફળતાની સાથે યુવાનોને શિક્ષણ અને રોજગાર પરત્વે ગુનાહિત ઉપેક્ષા જોવા મળી રહી હોવાની સાથે ગુજરાતની ભાજપ સરકાર મધ્યપ્રદેશના તત્કાલીન ભાજપ સરકારના “વ્યાપમ કૌભાંડ” સાથે સ્પર્ધામાં ઉતરી “વ્યાપક કૌભાંડ” આચરી રહી હોવાનું જણાવી રેલી કાઢી આક્રમક દેખાવ કરી રાજ્યપાલને સંબોધીને લખાયેલ આવેદનપત્ર બાયડ પ્રાંત અધિકારીને આપ્યું હતું.
બાયડ શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ “ભાજપ તેરી તાનાશાહી” નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં રાજ્યમાં તલાટીની ખાલી પડેલી જગ્યા ભરવા અંગે શાસકપક્ષ ભાજપના જ મળતિયાઓ દ્વારા બેસુમાર ભ્રષ્ટાચાર કરી આચરવામાં આવેલા “તલાટી કૌભાંડ”થી શરૂ થયેલો ભાજપનો ભ્રષ્ટાચારનો સિલસિલો દરેક સરકારી ભરતી પ્રક્રિયામાં જોવા મળી રહ્યો છે. ભાજપ સરકારના શાસનમાં શિક્ષણના વેપારીકરણ, ખાનગીકરણ નીતિના પરિણામે રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય પ્રજા ત્રસ્ત છે અને ભાજપ સરકાર મસ્ત છે.