(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૯
લાલબાગ સ્વીમીંગ પુલ સામે આવેલી એક સજ્જન નાગરિકની જમીન રસ્તો પહોળો કરવા મફતમાં સંપાદન કરી રૂપિયા એક કરોડ ઉપરાંતનું વળતર ચુકવવા અખાડા કરનાર મનપાના વહીવટી તંત્રને સિવિલ કોર્ટે ફટકાર મારી મેયર, મ્યુનિ. કમિશ્નર ડે.મ્યુનિ. કમિશ્નર, ડે.મેયર, મનપાની તમામ જંગમ મિલકતો, કાર, રાચ રચીલુ, ખુરશી-ટેબલો જપ્ત કરી જાહેર હરાજી કરી અસરગ્રસ્ત નાગરિકને રૂપિયા એક કરોડ ૧૫,૫૮,૯૯૧ તેમજ ખર્ચનાં રૂપિયા ૧૯ હજાર ૪૨૫ વસુલ કરવા કરેલા આદેશને પગલે મનપા વહીવટી તંત્રમાં સોંપો પડી જવા પામ્યો છે. આ અંગે જવાબ આપવા મનપામાં કોઇ હાજર નથી જે હાજર છે તેમને ચૂકાદાની હજી ખબર નથી. ખાસ જમીન સંપાદન અધિકારી કહે છે. મારી પાસે ચૂકાદાની કોપી હજી આવી નથી.
મનપા વહીવટી તંત્રમાં હડકંપ મચાવનાર ઘટનાની વિગત એવી છે કે, લાલબાગ સ્થિત સ્વીમીંગ પુલ સામેનો રસ્તો પહોળો કરવા માટે મનપાએ જમીન સંપાદન કરેલી આ જમીનનાં માલિક સાહેદા અસફાક હકીમ અને મુશીર અસફાક હકીમ (રહેવાસી : ૭૩-બી, લોટસ કોર્ટ એપાર્ટમેન્ટ હરિભકિત કોલોની, રેસકોર્ષ સર્કલ) હતા. મનપાએ જમીન માલિકોને વળતર ચૂકવ્યું ન હોવાથી સ્થાનિક સિવિલ કોર્ટમાં લેન્ડ રેફરન્સ નંબર ૧-૧૯૮૩ માં મનપા સામે કેસ દાખલ કર્યો હતો. સિવિલ જજે કમિશ્નર, મનપાના ખાસ જમીન સંપાદન અધિકારીને રૂા.૧૮,૬૩,૫૭૧ સને ૧૯૮૩થી ૧૫ ટકા વ્યાજ સાથે કુલ રૂા.૧,૧૫,૫૮,૯૯૧ તથા ખર્ચ પેટે રૂા.૧૯,૪૨૫ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જે રકમ ત્રણ મહિનામાં ચૂકવી દેવાની હતી. પરંતુ મનપાના વહીવટી તંત્રએ રકમ ચૂકવવા અખાડા કર્યા હતા. કોર્ટનાં હુકમની અવગણના કરી હતી. આથી અરજદારોએ કોર્ટમાં તા. ૧-૧૧-૨૦૧૭ નાં રોજ દરખાસ્ત દાખલ કરી ન્યાય માટે માંગણી કરી હતી. તેમજ વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા હતા. આથી અરજદારોને એડવોકેટ ચિરાગ ભગત તેમજ તન્વીર શેખે નામદાર મુખ્ય સિવિલ જજ જે.જી. વડોદરીયાની અદાલતમાં મ્યુનિ. કમિશ્નર સહિત મેયર, ડે.મેયર, ડે.મ્યુનિ. કમિશ્નરની જંગમ મિલકતો, મનપાની તમામ જંગમ મિલકત, કારો, રાચ રચીલુ ફર્નિચર, ખાસ જમીન સંપાદન અધિકારીની ઓફિસમાંથી તમામ જંગમ મિલકતનાં તેમની પણ કાર ખાસ જમીન સંપાદન અધિકારીના નામામાં તમામ અધિકારીઓની ઓફિસમાં આવેલી તમામ જંગમ મિલકત, રાચરચીલુ ફર્નિચર ખુરશીઓ બીજી જે કોઇ મળી આવે તે જંગમ મિલકતો જપ્ત કરી તેની જાહેર હરાજી દ્વારા નાણાં વસુલ કરી અરજદારોને ચૂકવી આપવા સીમાચિન્હ રૂપ ચૂકાદો આપી સનસનાટી મચાવી છે.