(એજન્સી) કોલકાતા, તા. ૧૦
ટ્રિપલ તલાક મુદ્દે કેસ કરીને ચમકી જનાર ઇશરત જહાં ભાજપમાં જોડાયા બાદ પશ્ચિમ બંગાળમાં મે મહિનામાં યોજાનારી પંચાયતી ચૂંટણીઓમાં ભાજપ મુસ્લિમોને પોતાની મતબેંક તરીકે જોઇ રહ્યો છે. લઘુમતી મતબેંક ફક્ત તૃણમુલ કોંગ્રેસની જાગીર નથી કે દેખાડવા માટે ભાજપ કોલકાતામાં ગુરૂવારે મુસ્લિમ સંમેલન યોજી રહ્યો છે. ભાજપના રાજ્યના અધ્યક્ષ, તૃણમુલ કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ અબ્દુલ રશીદ અન્સારી સહિતના નેતાઓ આ સંમેલનમાં ભાગ લેશે. પરંપરાગત હિંદુ મત બેંક પાસે પહોંચવા માટે તૃણમુલ કોંગ્રેસે બોલપુર અને બિરભૂમમાં બ્રાહ્મણ અને પુરોહિત સંમેલન યોજ્યા તે જ રીતે ભાજપ હવે મુસ્લિમ સંમેલન યોજી રહ્યો છે. ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ અલી હોસેને મીડિયાને જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં લઘુમતીઓ તૃણમુલ કોંગ્રેસનીજાગીર છે તેવી ખોટી ધારણા છે. અમે ભાજપના લઘુમતી કાર્યકરોને પંચાયતી ચૂંટણીઓ પહેલા સાબિત કરવાનું આહ્વાન કરીએ છીએ. મમતા બેનરજીએ ટીએમસી બનાવી તે પહેલાથી લઘુમતીઓ ભાજપને સમર્થન કરે છે. ભાજપને ટેકાને મુસ્લિમો માટે યોગ્ય ગણાવતા હોસેને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ સબકા વિકાસના સૂત્રમાં તમામ ભારતીય માને છે. ટીંમસીને લઘુમતીઓના વિકાસમાં રસ નથી જેઓ પશ્ચિમ બંગાળમાં ફક્ત પછાત બનીને રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં લઘુમતીઓ માટે ફક્ત બે ટકા અનામત છે જ્યારે ગુજરાતમાં મુસ્લિમોને ૧૦ ટકા અનામત આપવામાં આવે છે. ટીએમસી લઘુમતીઓને છેતરી રહી હોવાનો દાવો કરતા હોસેને કહ્યું કે, શું લઘુમતીઓ માટે કોઇ નોકરી છે ? તેઓ હવે મમતાને છેતરપિંડી કરનારા ગણાવે છે.