(એજન્સી) મુંબઈ, તા.૮
મરાઠા સમાજની આર્થિક અને સામાજિક પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રચવામાં આવેલા પછાતવર્ગ પંચનો અંતિમ અહેવાલ ૧૫મી નવેમ્બરના રોજ રજૂ કરવામાં આવશે, એમ રાજ્ય સરકાર દ્વારા હાઇ કોર્ટને જણાવાયું હતું.
મરાઠા અનામત બાબતે મંગળવારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. મરાઠા સમાજને અનામત આપવામાં આવશે કે નહીં એ બાબતનો અહેવાલ ૧૫મી નવેમ્બરના રોજ રજૂ કરવામાં આવશે. મરાઠા સમાજની હાલની પરિસ્થિતિ શું છે એ અંગેની માહિતી ભેગી કરવાનું કામ પૂર્ણ થવાની આરે છે, એમ કોર્ટને જણાવ્યું હતું. અહેવાલ રજૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય બહુ મોટો છે. મરાઠા આંદોલનને કારણે યુવાનોની આત્મહત્યા થઇ રહી છે એ ચિંતાનો વિષય છે. તેથી પંચ જલદીથી પોતાનું કામ પૂર્ણ કરે, એમ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું.
પાંચ સંસ્થા દ્વારા મરાઠા સમાજની હાલની સ્થિતિ ભેગી કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ૨૫મીથી ૨૯મી જૂન સુધી રાજ્યમાં ૨૧ જગ્યાએ જાહેર બેઠક યોજવામાં આવી ત્યારે બે લાખથી પણ વધુ નિવેદન મળ્યાં હતાં. ત્રણ નિષ્ણાતોની પેનલ પણ બનાવવામાં આવી છે. પાંચમી સપ્ટેમ્બર સુધી આ પેનલ પંચ સમક્ષ દરેક માહિતીનું વિશ્ર્લેષણ કરશે. ત્યાર બાદ અંતિમ અહેવાલ રજૂ કરાશે, એમ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું.