(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
નામ છે આ યુવા સાહસિકનું શિજુ પપ્પન અને ગુરૂગ્રામમાં તેઓ પોતાનું ખાણીપીણીનું રેસ્ટોરન્ટ ચટપટા અફેર્સ ચલાવે છે. મહેનત અને અડગ નિશ્ચય સાથે જો વ્યવસાય શરૂ કરવામાં આવે તો સફળતા દૂર હોતી નથી એવું આ યુવાન સાહસિકની જીવનગાથા દરેક નવા યુવા સાહસિકોને પ્રેરણા પૂરી પાડે છે. આજે તો ગુરૂગ્રામમાં ધ ચટપટા અફેર્સ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમણે એક પીત્ઝાહટમાં નોકરી શરૂ કરી હતી અને કારકિર્દી શરૂ કરી હતી અને જેમાં ડિશ ધોવાની તથા કસ્ટમરને સાચવવાની કામગીરી કરવાની હતી અને ટેબલો પણ સાફ કરવાના રહેતા હતા. પણ આ યુવાન ખાલી નોકરી કરીને બેસી રહે એવો નહોતો તેમનામાં આગળ વધવાની ખૂબ જ તમન્ના અને ધગશ હતી એટલે તેમણે કોવિડ ૧૯ના ગાળામાં ધ ચટપટા અફેર્સનો પ્રારંભ કર્યો જે આજે ખૂબ જ ધમધમતો બિઝનેસ બની ગયો છે. એક મુલાકાતમાં શિજુએ જણાવ્યું હતું કે મને એ નોકરીમાંથી મહિને રૂપિયા પાંચથી છ હજારનો પગાર મળતો હતો જેમાંથી હું મારા મકાનનું ભાડું આપતો વીજળીનું બિલ આપતો અને મારૂં જમવાનું પણ થઈ રહેતું હતું એટલે એટલી આવકમાંથી ચલાવી લેવું પડતું હતું. મૂળ રાજસ્થાનના પપ્પન કામની શોધમાં દિલ્હી આવ્યા હતા અને પીત્ઝાહટમાં નોકરી શરૂ કરી હતી પણ એમને આગળ વધવાની ખૂબ જ ધગશ હતી એટલે પોતાનો જ કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારતા હતા તેઓ બાદમાં સધરર્નના ફ્રાઈડ ચિકનના સીઈઓ પણ બન્યા હતા અને બે દાયકાનો અનુભવ લીધો જે એમને કામ આવ્યો હતો. પોતાની નાનકડી પણ મહેનતકશ ટીમની સાથે પોતાનો નવો વ્યવસાય શરૂ કરનાર આ યુવા સાહસિકને ૨૦૨૦માં માસિક પાંચ લાખની આવક થઈ હતી અને ભારતીય સ્ટ્રીટ ફૂડમાં આ નાનકડી શોપ ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે અને આજે તો અહીં સ્વાદના શોખીનો ઊમટી પડે છે જેમને ચટાકેદાર અને રસપ્રદ વાનગીઓ અને નાસ્તો કરવો હોય છે તેઓ અહીં જરૂર આવે છે અને આજે તો આ ચટપટા અફેર્સનું મૂલ્ય રૂપિયા સાડા ચાર કરોડ જેવું થઈ ગયું છે અને ૫૦ સ્થળે તેમની દુકાનો છે એ દરેક દુકાનો પણ મહિને રૂપિયા ૭૦થી ૮૦,૦૦૦નો નફો કરે છે.