ભાવનગર, તા. ૧૭
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રતનપર ગામે દિનદહાડે આશ્રમના મહંત મસ્તરામબાપુના આરામગૃહમાં કોઈ ઈસમે પ્રવેશ કરી કબાટમાં રાખેલા રોકડા રૂા.૪ લાખની ચોરી કરી નાસી છુટ્યા હતા.
આ બનાવ અંગે રતનપર ગામના પટેલ ભનુભાઈ ભીમભાઈ કાનાણીએ ફરિયાદ લખાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ આર.પી. ચુડાસમાએ હાથ ધરી હતી. પોલીસે આશ્રમના સેવકોની પૂછપરછમાં ગઈકાલે બપોરે બે દિવસથી હિન્દી ભાષી સાધુ રહેતો હતો તે પ્રસાદ લીધા બાદ ગાયબ છે. પી.એસ.આઈ.એ તેનું વર્ણન મેળવી એસ.ટી. બસ સ્ટેન્ડ દોડી જઈ સીસી ટીવીના ફુટેજ ચેક કરતાં વર્ણનવાળો શખ્સ પાલિતાણા અંબાજી રૂટની બસમાં બેઠેલો જોવા મળતા પોલીસ વલ્લભીપુર તેમજ બગોદરા પોલીસને જાણ કરતા મોડી રાત્રે બગોદરા પોલીસ તથા અમદાવાદ રૂરલ એલસીબી સ્ટાફે એસ.ટી. બસને અટકાવી પાલિતાણા રૂરલ પોલીસે આપેલા વર્ણન મુજબના શખ્સને ઝડપી લીધો હતો.
બગોદરાથી રામાનંદી આશ્રમમાં રૂા.૪ લાખની ચોરી કરી નાસી છુટેલા સાધુના સ્વાંગમાં શખ્સને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ કરતા ઝડપાયેલ શખ્સ રાજેન્દ્ર પાંડે લક્ષ્મણ પાંડે (ઉ.વ.૩૪) (મૂળ રહે. બિહાર હાલ લક્ષ્મીનારાયણ મંદિર હિરાનગર તા.કઠુઆ, હીરનગર, જમ્મુ) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂા.૪ લાખની રોકડ રકમ કબજે લઈ ચોરીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.