(એજન્સી) રાયગઢ, તા. ૨૫
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં સોમવારે મોડી સાંજે એક પાંચ માળની ઇમારત ધરાશાયી થઇ હતી જેમાં અત્યારસુધી ૧૧ લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક ઘાયલોને બહાર કઢાયા છે. જોકે, ઘટનાને ૨૪ કલાક વીતી ગયા છતાં હજુ બચાવ કામ ચાલુ છે. મંગળવારે બપોર બાદ બે મૃતદેહ બહાર કઢાયા હતા અને અત્યારસુધી ૬૦થી વધુ લોકોને બચાવી લેવાયા છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. એનડીઆરએફની ત્રણ ટીમો તથા ફાયરબ્રિગેડની ૧૨ ટીમો હજુ પણ ઘટનાસ્થળે છે. સાતથી ૧૦ વર્ષ પહેલા બાંધવામાં આવેલી પાંચ માળની ઇમારતમાં ૪૫ ફ્લેટ હતા.
મંગળવારે બપોરે બચાવ અધિકારીઓએ કાટમાળમાંથી એક ચાર વર્ષના બાળકને જીવતો બહાર કાઢ્યો હતો. આ બાળક જીવતો મળી આવ્યાના વીડિયોમાં લોકો ખુશી મનાવતા નજરે પડે છે. મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાયગઢના મહાડમાં ઇમારત પડી જવાથી દુઃખી છું. જે લોકોએ પોતિકાઓ ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તો વહેલીતકે સાજા થાય તેવી કામના. સ્થાનિક સત્તાવાળા અને એનડીઆરએફ ઘટનાસ્થળે છે અને તેમને તમામ મદદ પુરી પડાશે. મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, બિલ્ડિંગના કોન્ટ્રાકટર યુનુસ શેખની સામે ફરિયાદ દાખલ કરી છે. શિંદેએ કહ્યું કે, આ ઘટના માટે કોન્ટ્રાકટર જવાબદાર હતો. જો કોઇ અધિકારી પણ આમા સામેલ જણાશે તો કડક કાર્યવાહી કરાશે. બચાવ કાર્ય પૂરો થયા પછી તપાસ હાથ ધરાશે. કલેક્ટર નિધિ ચૌધરીએ કહ્યું કે, ડેવલપર અને આર્કિટેક્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. હજુ પણ કેટલોક સમય કાટમાળમાં શોધખોળ કરવામાં જશે. ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવાયા છે.