મહારાષ્ટ્રનું પૂણે શહેર કોવિડ-૧૯નું હોટસ્પોટ અને ગ્રાઉન્ડ ઝીરો બન્યું

 

(એજન્સી) તા.૧
અગાઉથી જેની અપેક્ષા હતી તે મુજબ જ મહારાષ્ટ્રનું પૂણે શહેર કોરોના વાયરસના સૌથી વધુ સંક્રિમત નવા કેસોની બાબતમાં સોમવારે દિલ્હીને ઓવરટેક કરીને આગળ નીકળી ગયું હતું. જ્યાંથી દેશમાં કોવિડ-૧૯નો સૌથી પહેલો કેસ નોંધાયો હતો તે પૂણે શહેરમાં અત્યાર સુધીમાં ૧.૭૫ લાખ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચૂક્યો છે.
છેલ્લા બે સપ્તાહથી પૂણે શહેરમાં કોવિડ-૧૯ના દરરોજ ૨૦૦૦થી ૩૦૦૦ જેટલા નવા કેસ આવી રહ્યા છે. વધેલા કેસો બદલ સત્તાવાળાઓ એવું કારણ રજૂ કર્યું હતું કે, આક્રમક રીતે હાથ ધરાયેલી ટેસ્ટિંગ પ્રક્રિયાના કારણે નવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને હજુ જો વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવશે તો નવા કેસોની સંખ્યા વધતી જ રહેશે.
તાજેતરમાં પૂણે શહેરમાં હાથ ધરાયેલા સીરોલોજિકલ સર્વેમાં જોવા મળ્યું હતું કે, શહેરના કેટલાક વિસ્તારોમાં જો લગભગ ૫૦ ટકા વસ્તી કોવિડ-૧૯નો ભોગ બની ચૂકી હશે, અલબત્ત તે પૈકીના મોટાભાગના લોકો એવી રીતે સંક્રમિત થયા હશે જેઓને કોવિડ-૧૯ના કોઇ ચિહ્‌નો જણાયા નહોતા અને એવા લોકોને શોધી શકાયા નહોતા. જો કે, વધુ મોટા પ્રમાણમાં અથવા મોટી વસ્તીને જ્યારે આ વાયરસનો ચેપ લાગી ચૂક્યો હોય ત્યારે તેનો ચેપ ફેલાવાનો દર ધીમો પડી જાય છે, અર્થાત બહુ ઓછા લોકોને દરરોજ વાયરસનો ચેપ લાગી શકે છે. જો કે, આ વાયરસનો ચેપ લાગવાની ગતિ હજુ ધીમી પડવાની બાકી છે.
સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા થોડા અઠવાડિયાઓ દરમ્યાન સૌથી વધુ એક્ટિવ કેસોની બાબતમાં પણ આ શહેર પ્રથમ ક્રમે રહ્યું છે. જે સૂચવે છે કે, સૌથી વધુ લોકો તાજેતરમાં જ સંક્રમિત થયા હશે, પરંતુ તે સાથે એવો પણ સંકેત મળ્યો હતો કે હજુ પણ કોરોના કેસની તિવ્રતા યથાવત્‌ રહેવા પામી છે. હાલ પૂણેમાં ૫૨,૦૦૦ એક્ટિવ કેસ છે જે દિલ્હી (૧૫,૦૦૦), મુંબઈ (૨૦,૦૦૦) અને ચેન્નાઈ (૧૩,૦૦૦) કરતાં વધુ છે. કોવિડ-૧૯ના કારણે દેશમાં મૃત્યુ પામનારા કુલ લોકો પૈકી ત્રીજા ભાગના લોકો દેશના પાંચ શહેર, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, પૂણે અને બેંગ્લોરના હતા. યાદ રહે કે દેશમાં છેલ્લા ૫ દિવસથી ૭૫,૦૦૦ નવા કેસ નોંધાતા હતા પરંતુ સોમવારે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો કેમ કે, સોમવારે ૭૦,૦૦૦ નવા કેસ નોંધાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks