મુસ્લિમોને બદનામ કરવા સોશિયલ મીડિયાનો ભારે દુરૂપયોગ કરાયો
મહાવીર જૈનના અપહરણ બાદ મુસ્લિમોને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ભરપૂર દુરૂપયોગ કરવામાં આવ્યો હતો જેને કારણે જિલ્લાનું કોમી વાતાવરણ ડહોળાય એવી સ્થિતિ હતી. આવા સંજોગોમાં કેટલાક આગેવાનોએ મામલાને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધી તો મેસેજ વાયરલ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ ગુજરાત સરકારે કાયદામાં સુધારો કર્યો છે જે અંતર્ગત બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે રીતે મેસેજ વાયરલ કરનારને પણ આકરી સજા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. આ મામલામાં મુસ્લિમ્સના રોલની વાતો અફસા સાબિત થઈ છે. રફીક સહિત અન્ય આરોપીઓ પણ આમાં પકડાયા છે પરંતુ તેઓએ પૈસા ખાતર એટલે કે સોપારી લઈને કામ કર્યું હોવાથી તેમના કારણે મુસ્લિમોને બદનામ કરનાર તત્વો સામે કડક હાથ પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવા માટે સ્થાનિક આગેવાનો મન બનાવી રહ્યાં છે.
(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૪
બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ ખાતેથી ચીખલીના ગૌરક્ષક મહાવીર જૈનનું અપહરણ કરવાના કેસમાં જિલ્લા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમની પૂછપરછમાં વડોદરાની નેહા પટેલની સંડોવણી પણ બહાર આવી છે.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવસારીના ચીખલી ખાતે રહેતા મહાવીર હરખચંદ જૈન ગોરક્ષક તરીકે કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ કતલખાને લઈ જવાતા પશુના વાહનો સંદર્ભે પોલીસને બાતમી આપી પકડાવી દેવાનું કામ કરતા મહાવીર જૈનને કારણે અનેક મુંગા પશુઓ કતલખાને જતાં બચી ગયા છે. ગત તા. ૨૭મી ઓગસ્ટના રોજ બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ ખાતેથી મહાવીરનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું જેમાં માંગરોળના રફીક ઈદા છપ્પર સહિત તેના સાગરિતોની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં જિલ્લા પોલીસે રાજસ્થાનના બાડમેરથી ભરત ભડયાદરા, જય ઉર્ફે નાગરાજ પટેલ, ભરત વૈષ્ણવ, જગદીશ ભરવાડ, રસીક છગન, જયેશ સાટીયા, રોશન સુમરા અનેશ્વ રફીક છપ્પરને ઝડપી પાડ્યા હતા. તમામની ઘનિષ્ઠ પુછતાાછ દરમિયાન વડોદરાની નેહા પટેલની પણ આમાં સંડોવણી બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. અત્યાર સુધી એવું વાતાવરણ હતું કે, ખાટકીઓ દ્વારા મહાવીર જૈનનું અપહરણ કરવામાં આવ્યું છે. જોકે, નેહા પટેલની સંડોવણી બહાર આવ્યા બાદ આખા મામલાએ નાટકીય વળાંક લઈ લીધો છે. મહાવીરના અપહરણ પછી રાજસ્થાન તરફ ભાગી રહેલા આરોપીઓને નેહા પટેલે એકસ્ટ્રા સીમ કાર્ડ અને મોબાઈલ પ્રોવાઈડ કર્યા હતા.