મહિલા, લઘુમતીઓ અને દલિતો વિરૂદ્ધના ગુનાઓ મુદ્દે સીપીઆઈ ૧૮ નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ૧૮ નવેમ્બરે સમાનતા અને ન્યાયના મુદ્દાઓ પર રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે, પાર્ટીના મહાસચિવ ડી.રાજાએ જણાવ્યું હતું કે મહિલાઓ, દલિતો અને લઘુમતીઓ વિરૂદ્ધ અત્યાચાર વધી રહ્યા છે. ડાબેરી પાર્ટી મહિલાઓ, દલિતો અને લઘુમતીઓ વિરુદ્ધના ગુનાઓની ઘટનાઓ સંબંધિત મુદ્દાઓને ઉજાગર કરવા માટે દેશભરમાં પ્રદર્શનો કરશે. રાજાએ મીડિયાને જણાવ્યું હતું કે, “પહેલેથી જ સંવેદનશીલ આ વર્ગો સામે અત્યાચાર વધી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે પણ અવલોકન કર્યું હતું કે મહિલાઓ દેશમાં સૌથી મોટી લઘુમતી છે.” તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.વી. નાગરત્નાના અવલોકનનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમણે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવા માટેના કાયદા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પરની અરજીની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યું હતું કે દેશની વસ્તીના ૪૮.૪૪ ટકા મહિલાઓ ભારતમાં સૌથી મોટી લઘુમતી છે. રાજાએ કહ્યું કે, “ભારત એક ધર્મનિરપેક્ષ, લોકશાહી પ્રજાસત્તાક છે… પરંતુ જે રીતે લઘુમતીઓ પર હુમલો કરવામાં આવે છે, તે ભારતના વિચારને પડકાર ફેંકી રહ્યું છે,”. તેમણે કહ્યું કે, “બંધારણીય સિદ્ધાંતો અને સામાજિક ન્યાય અને સમાનતાના વિચારોને જાળવી રાખવા માટે, અમારી પાર્ટીએ ૧૮ નવેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહવાન આપ્યું છે.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts