મહેસાણા, તા.ર૪
મહેસાણા જિલ્લામાં એસટી બસોને નિશાન બનાવતા સલામતી ખાતર એસટી તંત્રએ મોટાભાગની એસ.ટી.ના રૂટો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે, છેલ્લા ચાર દિવસથી વિજાપુર, મહેસાણા, માણસા, વિસનગર, ખેરાલુ ડેપોમાંથી બસો બંધ રહેતા રોજબરોજ અપડાઉન કરતા મુસાફરો, છાત્રો સહિતના મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાનગી વાહનચાલકોને તડાકો પડી ગયો હોવાથી બેવડાં ભાડાં વસૂલ કરીને ઉઘાડી લૂંટ કરાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. બીજી તરફ, મહેસાણા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાજયકક્ષાના ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર હોઈ હાલ વહીવટી તંત્ર અને પોલીસ તેની તૈયારીઓમાં વ્યસત બની છે. જેના કારણે મોકળુ મેદાન મળતાં તોફાનીઓ દ્વારા ગઈકાલે ખેરાલુ તાલુકામાં દેખાવો કરાયા હતા જયારે આજે કડી-જોટાણા રોડ ઉપર ટાયરો સળગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે કેટલાક સંવેદનશીલ માર્ગો ઉપર પેટ્રોલીંગ સઘન બનાવી સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા પગલાં લીધા હોવાનું જાણવા મળે છે.