માંગરોળ, તા.૩
માંગરોળ ખાતે ઘણી આતુરતા બાદ ગતરાત્રે વરસાદ મનમૂકીને વરસતા લોકોની ખુશીનો પાર રહ્યો નથી. ચોમાસુ બેસી જવા છતાં છુટાછવાયા ઝાપટાઓ સિવાય વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરંતુ ગત મોડીરાત્રે મેઘરાજા એ મન મૂકીને છૂટથી વરસવાનું શરૂ કરતાં લોકોના ચહેરા પર હરખથીની હૈલીઓ છલકાઈ રહી હતી. ગતરાત્રે ૧૨ વાગ્યેથી સવારના ૬ વાગ્યા સુધીમાં માંગરોળ પંથકમાં ૬૩ મીમી (૨.૫૨ ઈંચ) વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી વાવણીની તૈયારી કરી રહીલા ખેડૂતોની ખુશીનો પાર રહ્યો નથી. પંથકમાં વાવણી લાયક વરસાદ થઈ જતાં ખેડૂતો વહેલી સવારથી જ વાવણી કરવા ખેતરમાં દોડી ગયા હતા. માંગરોળ પંથકમાં ઠેર-ઠેર મગફળીનું વાવેતર થઇ ગયા હતા.
બીજી બાજુ શહેરમાં બંદર ઝાપા, મીઠીવાવ, દેડવાવ જેવા વિસ્તારોમાં રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અપ્સરા મંદિરથી પેરેડાઈસ સોસાયટી તરફ રસ્તા પર કીચડ થઈ જતાં રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની જતા દૂર ફરીને બીજા રસ્તા પર જવાની ફરજ પડી હતી.