(એજન્સી) બૈરૂત, તા.૬
ઇઝરાયેલ દ્વારા લેબેનોનમાં જે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું છે એ નામ પૂરતું અને તકલાદી હોવાનું વારંવાર ઇઝરાયેલ પુરવાર કરી રહ્યું છે અને ગઈકાલે બાર વખત ઇઝરાયેલ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને હુમલા કરવામાં આવ્યા હતા તેમ લેબેનોનના સત્તાવાર નેશનલ ન્યુઝ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બૈરૂતમાં તથા અન્ય આસપાસના જિલ્લાઓ ટાયર તથા બેન્ટ જુબેલ અને મરજાયું વિસ્તારમાં ઈઝરાયેલ દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. ગઈકાલે ત્રણ વખત ઇઝરાયેલ દ્વારા તોપમારો કરવામાં આવ્યો હતો અને ટાયર જિલ્લામાં એક ગામ પર ડ્રોન હુમલો પણ કરવામાં આવ્યો હતો. યુદ્ધવિરામ જાહેર થવા છતાં ગઈકાલે અને આજે પણ બૈરૂત આકાશમાં ઇઝરાયેલના યુદ્ધ વિમાનો ઉડતા દેખાયા હતા અને ખૂબ નીચી સપાટીએ ભયજનક રીતે ઉડતા રહ્યા હતા. અત્યાર સુધીમાં ૧૨૯ વખત ઇઝરાયેલ દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. જે શરતો નક્કી થઈ છે એ મુજબ ઇઝરાયેલ દ્વારા તેના લશ્કરને બ્લુ લાઈન સુધી પાછું ખેંચી લેવાની સમજૂતી થઈ હતી. અમેરિકા અને ફ્રાન્સ નિયમનું પાલન થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવાના હતા પરંતુ એ બે દેશોની કોઈ પ્રતિક્રિયા આવી નથી.