માનવતાને મોહમ્મદ (સ.અ.વ.)સાહેબની દેન

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

મોહમ્મદ (સ.અ.વ.)સાહેબનું સંપૂર્ણ જીવન માનવતા અને સંસાર માટે આદર્શ તથા પાલન કરવા યોગ્ય છે. પછી તેમનું રાજનીતિક જીવન હોય અથવા સામાજિક, ધાર્મિક જીવન હોય અથવા આર્થિક. તેમના જીવનના પ્રત્યેક ક્ષેત્રમાંથી માનવતાને સત્યનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે તથા વર્તમાન અને આધુનિક યુગમાં તેનું પાલન કરીને અને તેના પોતાના પ્રાયોગિક જીવનનો ભાગ બનાવીને સમાજ અને સંસારને જુદા જુદા પ્રકારની કઠિનાઈઓ, સમસ્યાઓ અને કષ્ટોથી બચાવી શકાય છે.
મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ દ્વારા માનવ સમાજને એકતા, સમાનતા, સદ્‌ભાવ, આંતરિક સહયોગ, શાંતિ, ભાઈચારો અને બુરાઈઓથી ધૃણાનો એક ઉત્તમ સંદેશ આપ્યો. આનું એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ ફુજૂલની સમજૂતી છે. આ સમજૂતીમાં તેમણે આગળ પડતો ભાગ લીધો તથા પોતાના પછીના જીવનમાં પણ આ પ્રકારની સમજૂતીઓને પ્રોત્સાહિત કરી. આ સમજૂતી મક્કાના કેટલાક ભલા લોકોએ મળીને દેશની અશાંતિને દૂર કરવા, યાત્રીઓની સુરક્ષા, નિર્ધનો અને પીડિતોની સહાયતા માટે કરવામાં આવી હતી.
જો આપણે મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના રાજકીય જીવનનું અધ્યયન કરીએ તો આપણને એ જાણવા મળે છે કે તેમણે મક્કાથી હિજરત કર્યા પછી ૧૦ વર્ષ મદીનામાં પસાર કર્યા. આ દસ વર્ષોમાં તેમના શત્રુઓ ખાસ કરીને મક્કાવાસીઓની સાથે જેટલા પણ યુદ્ધ થયા તે બધા મદીનાની નજીક લડવામાં આવ્યા પરંતુ મક્કા અને મદીનાની વચ્ચે જોડાયેલી સંધિ ઈતિહાસમાં ‘હુદૈબિયાની સંધિ’ના નામે પ્રસિદ્ધ છે, જે મક્કાની નજીક થઈ. આનાથી મોહમ્મદ(સ.વ.અ.) સાહેબની રાજનીતિક વિચારધારાનું જ્ઞાન મળે છે કે તેમણે ક્યારેય પણ પોતાની તરફથી યુદ્ધને પ્રત્સાહિત કર્યા નથી પરંતુ જુદા જુદા ધર્મોની સાથે એક ક્ષેત્રમાં ભાઈચારો, સદ્‌ભાવ અને શાંતિની સાથે નિવાસ કરવાને વરિષ્ઠતા આપી, જેનો એક ઉત્તમ પુરાવો મદીનાની સંધિ છે.
આ જ રીતે જો આપણે નબી(સ.અ.વ.)સાહેબના ધાર્મિક જીવનનું અધ્યયન કરીએ તો આપણને એ જાણવા મળે છે કે તેમણે અલ્લાહના સંદેશાઓનું પોતાના પ્રાયોગિક જીવનમાં પાલન કર્યું તથા પોતાના અનુયાયીઓને પણ આનો આદેશ આપ્યો, પરંતુ અન્ય ધર્મોને માનનારાઓને કયારેય પણ આ વાત માટે બંધનકર્તા કે વિવશ નથી કર્યા કે તે તેમના દ્વારા લાવવામાં આવેલા સંદેશાઓનું પાલન કરે, અર્થાત તેમણે ફક્ત એક સંદેશવાહકનું કાર્ય કર્યું.
મોહમ્મદ(સ.અ.વ.) સાહેબના જીવનના અધ્યયનથી આ વાત પણ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે કે તેમણે સમાજમાં રહેતા કમજોર અને નિમ્ન વર્ગ પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ સંદર્ભમાં મહિલાઓનું ઉદાહરણ ટાંકવામાં આવે છે. જેના માટે વર્તમાન યુગમાં ઈસ્લામ ધર્મને વધારે નિશાન બનાવવામાં આવ્યો છે. મોહમ્મદ(સ.અ.વ.) સાહેબે મહિલાઓને તેમના વાસ્તવિક અધિકાર તથા સન્માન અપાવવાનો પ્રયત્ન કર્યો. માનવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેઓની ઉપસ્થિતિને સુરક્ષિત બનાવવાની સાથોસાથ તેમની આત્મનિર્ભરતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. ઉદાહરણ તરીકે હઝરત ખદીજા, હઝરત આયશા વગેરેનું નામ આપી શકાય છે. પયગમ્બર હઝરત મોહમ્મદ(સ.અ.વ.) સાહેબે મહિલાઓના અધિકારોનું વર્ણન પોતાના અંતિમ હજના સંબોધનમાં પણ કર્યું છે. ઉપરોક્ત વર્ણવવામાં આવેલી વાતોથી આ સ્પષ્ટ થઈ જાય છે કે મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે માનવ સમાજને એવો સંદેશ પાઠવ્યો જેનાથી સંસાર અને સમાજમાં શાંતિની સ્થાપના થઈ શકે અને સમસ્ત માનવ સમાજ સદ્‌ભાવ તેમજ આંતરિક સહયોગની સાથે પોતાનું જીવન વ્યતીત કરી શકે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks