(એજન્સી) નવી દિલ્હી, તા.૪
મુઝફ્ફરનગર વિસ્તારમાં આવેલા તિતાવી ગામમાં ૪૮ વર્ષના અનુસૂચિત જાતિના શિક્ષક યોગેશકુમારનું અપહરણ કરી જઈ લાકડીઓથી બેફામ માર મારીને તેની હત્યા કરવામાં આવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. દલિત શિક્ષકનો મૃતદેહ રસુલપુર ગામ પાસેના જંગલમાં આવેલા નાળામાંથી મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે યોગેશકુમાર અટાલી ગામનો રહેવાસી હતો. તેની વાગ્દત્તાના પ્રેમીએ તેના મિત્ર સાથે મળીને શિક્ષકનું અપહરણ કર્યું હતું અને બાદમાં લાકડીઓના ફટકા મારીને તેની હત્યા કરી નાખી હતી. મરનાર શિક્ષક યોગેશકુમાર બારલા ઈન્ટર કોલેજમાં હિન્દી વિષયના પ્રાધ્યાપક હતા. શિક્ષકના બહેને પોતાના ભાઈનું અપહરણ કરી ગયાની પરમજિત અને અમિત નામના રસુલપુરના રહેવાસી બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બંને અગાઉ પણ શિક્ષકને ધમકી આપતા હતા. પોલીસે પરમજીતને ઝડપી લીધો હતો. યોગેશકુમારની સગાઈ નક્કી થઈ ગયા પછી એ જ યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બનેલા આરોપીએ આ રીતે શિક્ષકનું અપહરણ કરીને તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે જે કારમાં અપહરણ કરાયું એ કાર અને ઘટનામાં વપરાયેલી લાકડી તથા દોરડું પણ કબજે લીધા હતા. બીજો આરોપી અમિત હજુ પકડાયો નથી.