મુશીર ખાને દુલીપ ટ્રોફીમાં મેરેથોન ઇનિંગ સાથે ૩૩ વર્ષ બાદ સચિન તેન્ડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી, તા.૬
દુલીપ ટ્રોફી ૨૦૨૪નો પ્રથમ રાઉન્ડ હાલ ચાલી રહ્યો છે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુભમન ગિલના નેતૃત્વવાળી ઇન્ડિયા-એ અને અભિમન્યુ ઇશ્વરનના નેતૃત્વવાળી ઇન્ડિયા-બી વચ્ચે એક મેચ રમાઈ રહી છે. યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત જેવા સ્ટારો સાથે ઇન્ડિયા-બી માટે યુવા મુશીર ખાને પોતાની શાનદાર સદીથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ૧૯ વર્ષીય મુશીરે મહાન સચિન તેન્ડુલકરનો એક જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો. મુશીર ખાને ઇન્ડિયા-બી માટે ૩૭૩ બોલમાં ૧૮૧ રન બનાવ્યા. જે એક મેરેથોન ઇનિંગ હતી. આ રીતે તેણે દુલીપ ટ્રોફીના ડેબ્યુ પર કોઈ યુવા દ્વારા ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો. આ રેકોર્ડ પહેલાં સચિન તેન્ડુલકરના નામે હતો. જેમણે ૧૯૯૧માં વેસ્ટ ઝોન માટે ઇસ્ટ ઝોન વિરુદ્ધ રમતા ડેબ્યુ મેચમાં ૧૫૯ રન બનાવ્યા હતા. મુશીર ખાનની શાનદાર ઇનિંગમાં ૧૫ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. તે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો અને ખાસ કરીને સ્પિનરો વિરુદ્ધ ખતરનાક હતો. ત્યાં સુધી કે તેણે કુલદીપ યાદવની બોલિંગનો પણ આસાનીથી સામનો કર્યો. જો કે, છેલ્લે તે કુલદીપની બોલિંગમાં જ રિયાન પરાગના હાથે ઝીંલાયો હતો તે દુલીપ ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચમાં બેવડી સદી બનાવવાની નજીક પહોંચી ગયો હતો. જો કે, તે ૧૯ રન માટે બેવડી સદી ચૂકી ગયો. બાબા પરાજિત દુલીપ ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારનાર ઇતિહાસનો એક માત્ર યુવા છે. મુશીર ખાને નવદીપ સૈની સાથે મળી આઠમી વિકેટ માટે ૨૦૫ રનની વિશાળ ભાગીદારી કરી. આ દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી પણ છે. આ ભાગીદારી એટલા માટે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, એક સમયે ૯૭ રનમાં ૭ વિકેટ ગુમાવનાર ઇન્ડિયા-બી ૩૨૧ રન બનાવવામાં સફળ રહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks