નવી દિલ્હી, તા. ૨૪
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના અધ્યક્ષ સૈયદ મોહમ્મદઅલી શિહાબ થાંગલના નાના પુત્ર સૈયદ મુનવ્વરઅલી શિહાબ થાંગલે બ્લડ મનીની વ્યવસ્થા કરી બે પરિવારોની મદદ કરી છે. તમિલનાડુના થાંજાવુર જિલ્લાના કન્સ્ટ્રકશન કામદાર ૪૫ વર્ષના અર્જુનન અથિમુથુ જે તેના સાથી કામદાર અબ્દુલવાજિદની હત્યામાં દોષિત સાબિત થયો હતો તેની વાત તેમણે કરી હતી. આ ઘટના સપ્ટેમ્બર ૨૦૧૩માં બની હતી. બંને કુવૈતમાં સાથે કામ કરી રહ્યા હતા. કુવૈતમાં અર્જુનને કુવૈતના કાયદા પ્રમાણે મોતની સજા આપવામાં આવી હતી જોકે, તેને ત્યારે જ માફી મળે જ્યારે પીડિત પરિવાર તેને માફ કરી દે. અબ્દુલ માજિદના પરિવારે તેને માફી આપી પણ તેના બદલામાં રૂપિયા ૩૦ લાખની માગણી કરી હતી જોકે, બંને પરિવારો આર્થિક રીતે ગરીબ હતા જેથી નાણાની વ્યવસ્થા તેમના માટે મુશ્કેલ હતી. અર્જુનનની પત્ની મલાથી પોતાના પતિને બચાવવા માટે નાણાની વ્યવસ્થા કરવામાં અસર્થ નિવડી. ત્યારબાદ તેણે પનક્કડમાં કોડાપ્પનાક્કલ સૈયદ શિહાબ પરિવારના સભ્યોનો સંપર્ક સાધ્યો હતો અને મદદ માગી હતી. સૈયદ મુનવ્વરઅલી શિહાબે તેમના સંપર્કોના આધારે કલાકોમાં જ ૩૦ લાખ રૂપિયા એકઠા કરી લીધા હતા.