નવી દિલ્હી, તા. ૩૦
એક તરફ જ્યારે દેશમાં કોમવાદી ભાગલાવાદી રાજકારણ સપાટી પર છે ત્યારે ઉત્તરાખંજડના મદ્રેસાઓએ આગામી સત્રથી સંસ્કૃતને વિદ્યાર્થીઓ માટે વિષ તરીકે લેવા માટે યોજના ઘડી છે જેમાં આયુર્વેદ અને યોગનો પણ સમાવેશ થાય છે. દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ અને ઉધમસિંહ નગર જિલ્લાઓના ૨૦૭ મદ્રેસાઓની વેલફેર સોસાયટીએ મદ્રેસામાં ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા માટેના કેન્દ્ર સરકારના ભંડોળનો ઉપયોગ કરવા માટે સંસ્કૃતને ભાષા તરીકે લેવા માટે પ્રસ્તાવ કર્યો છે. આ મદ્રેસાઓમાં આશરે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેઓ આ યોજના સાથે જોડાઇ જશે.
મુસ્લિમ વેલ્ફેર સોસાયટીએ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને પત્ર લખી સંસ્કૃત શિક્ષક નિમવા માટે માગ કરી છે. સોસાયટીના ચેરમેન સિબ્તે નબીએ કહ્યંુ કે, મદ્રેસાઓ દીની તાલીમ સાથે અંગ્રેજી, હિંદી અને વિજ્ઞાન તથા ગણિતના વિષયો પણ ભણાવી રહ્યા છે જ્યારે અમે અંગ્રેજી જેવી વિદેશી ભાષાને ભણાવી શકીએ તો ભારતની તમામ ભાષાઓ ભણાવવામાં શું વાંધો હોઇ શકે. તેમણે પત્રમાં યોગ અને આયુર્વેદ માટે પણ તાલીમબદ્ધ શિક્ષકોની માગ કરી છે. આયુર્વેદનો મૂળ સંસ્કૃતમાં છે જેથી મુસ્લિમ વિદ્યાર્થીઓ મેડીકલ શિક્ષણ પૂર્ણ કરવા માટે સક્ષમ બની શકશે તેમ નબીએ જણાવ્યું હતું. ઉધમપુરના મૌલાના અખ્તર રઝાએ જણાવ્યું હતુું કે, સંસ્કૃત મુસ્લિમો માટે એલિયન નથી પહેલાથી જ ઘણા મુસ્લિમ શિક્ષકોને સંસ્કૃતનું જ્ઞાન છે. રાજ્યમાં ૮૨.૯૭ હિંદુ વસ્તી હોવાથી ઉત્તરાખંડમાં સંસ્કૃત બીજી સત્તાવાર ભાષા છે.