મુહદ્દીસ ઇમામ મુસ્લિમ (રહ.) (ઈસ.૮૧૭-૮૭૫)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

અબુલ હુસેન મુસ્લિમ બિન અલ હજ્જાજ અલ કુશેયરી અલ નીશાપુરી કે જેઓ સામાન્ય રીતે ઇમામ મુસ્લિમ તરીકે ઓળખાય છે-પ્રસિદ્ધ વિદ્વાન અને મુહદ્દીસ હતા. ‘સહીહ મુસ્લિમ’ તરીકે ઓળખાતું હદીસ સંગ્રહ, સુન્ની ઇસ્લામી જગતમાં પ્રમાણભૂત હદીસ સંગ્રહોમાંથી એક છે.
ઇમામ મુસ્લિમનો જન્મ હિસ.૨૦૨/ઈસ.૮૧૭માં હાલના ઈરાનના ખોરાસાન પ્રાંતમાં આવેલ નીશાપુરમાં થયો હતો, ત્યારે અબ્બાસી ખલીફાઓની ખિલાફત હતી. કેટલાક ઇતિહાસકારોનાં મત મુજબ એમનો જન્મ ઇસ. ૮૧૯-૨૦ કે ઇસ ૮૨૧-૨૨માં થયો હતો.
તેઓ બનુ કુશેર નામક અરબ કબીલાથી સંબંધ ધરાવતા હતા. એમના પૂર્વજો રાશીદુન ખિલાફતકાળમાં અરબસ્તાનથી નવા નવા જીતાયેલ ઈરાનનાં પ્રદેશમાં આવીને વસી ગયા હતા. એમણે લગભગ સોળ વર્ષની ઉમરમાં યાહ્યા ઇબ્ને યાહ્યા અત તમીમ પાસેથી હદીસનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને હિસ.૨૨૦માં લગભગ ૧૮ વર્ષની ઉમરે હજ પઢી હતી.
ઇમામ સુયુતી લખે છે કે ‘ઇમામ મુસ્લિમે ૧૪ વર્ષની ઉમરમાં બસરાનો પ્રવાસ કર્યો, પછી તેઓ હજ કરવા હિજાજ (મક્કા-મદીના) ગયા અને ત્યાના ઇમામો પાસેથી હદીસનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાંથી ઈજિપ્ત, ઈરાક અને પાછળ ફરતી વખતે અર-રઈ અને ખોરાસાન ગયા. એમણે લગભગ ૧૫ વર્ષ સખત યાત્રાઓ કરી ઘણા વિદ્વાનો અને શેખોથી મળી લગભગ ત્રણ લાખ હદીસોનો સંગ્રહ કર્યો હતો. એમણે જે ઇમામોથી હદીસનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એમના નામ આ મુજબ છે.
ઇમામ મુસ્લિમના શિક્ષકો : ઇમામ બુખારી, ઇમામ એહમદ બિન હન્બલ, અબ્દુલ્લાહ ઇબ્ને મસલમ અલ કનાબી, યાહ્યા ઈબ્ને યાહ્‌હા અલ નીશાપુરી, કુતીબહ ઇબ્ને સઈદ, સઈદ ઇબ્ને મન્સુર, ઈશ્હાક ઇબ્ને રહુવેયાહ, અબુ ખૈતામા ઝુબેર ઇબ્ને હરભ જેવા વિદ્વાનોનો સમાવેશ થાય છે.
ઇમામ મુસ્લિમના શિષ્યો : એમના શિષ્યોમાં અલી ઇબ્ને અલ હસન ઇબ્ને ઈસા અલ હિલાલી, મુહમ્મદ ઇબ્ને અબ્દુલ વહ્‌હાબ અલ ફરરા, અલ હુસેન ઇબ્ને મુહમ્મદ અલ કબ્બાની, અબુ ઈસા અત-તીરમીઝી, અબ્દુલ્લાહ ઇબ્ને યાહ્યા અસ સરખસી અલ કાઝી જેવા લોકોનો સમાવેશ થાય છે.
ઇમામ મુસ્લિમની કૃતિઓ : તેઓ એક મુહદ્દીસ હતા અને હદીસોનો સંગ્રહ કરવા માટે ખૂબ મહેનત કરતા હતા. હદીસની પસંદગીમાં એ વાતનું ધ્યાન રાખતા હતા કે એ સાચા અને ભરોસાપાત્ર રાવીથી રિવાયત થયેલ હોય અને એની શ્રૃંખલા ક્યાંય તૂટતી ન હોય અને વચ્ચે કોઈ બિન ભરોસાપાત્ર કથનકાર આવતો ન હોય. આ રીતે એમણે લાખો હદીસો સંગ્રહ કરી હતી પરંતુ એમણે પોતાના હદીસ સંગ્રહ ‘જામેઅ સહીહ મુસ્લિમ’માં અંદાજે પુનરાવર્તન થતી હોય એવી ૭૫૦૦ અને પુનરાવર્તન વિનાની માત્ર ૪૦૦૦ સહીહ (પ્રમાણભૂત) હદીસો જ રજૂ કરી છે. સહીહ બુખારી પછી આ હદીસ સંગ્રહને સૌથી વધુ પ્રમાણિત માનવામાં આવે છે. આ બંને હદીસ સંગ્રહોને ‘સહીએન’ તરીકે ઓળખવામાં આવે છે.
ઇમામ મુસ્લિમે હદીસ સાહિત્યમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું, એમના સંગ્રહો આજે પણ પ્રકાશિત થાય છે અને વંચાય છે. સહીહ મુસ્લિમ ઉપરાંત એમણે જે ગ્રંથોની રચના કરી એમાં ‘કિતાબ અલ મુસ્નદ અલ કબીર અલા અર રીજાલ, જામી કબીર, કિતાબ અલ અસ્મા વલ કુના, કિતાબ અલ ઈલલ, કિતાબ અલ વહ્‌દાન, કિતાબ અલ તબ્કાત અત તાબેઈન, કિતાબ અલ અફરાદ, કિતાબ અલ અકરાન, કિતાબ અવલાદ અસ સહાબા, કિતાબ અફરાદ અશ-શામીય્યીન, કિતાબ મશાઈખ માલિક, કિતાબ મશાઈખ અસ શૂરી, કિતાબ અત-તમીયીઝ વગેરે ગ્રંથો ઉપરાંત બીજા પણ કેટલાંક ગ્રંથોની પણ એમણે રચના કરી હતી.
ઇમામ મુસ્લિમનું અવસાન ૨૪ રજબ હીસ.૨૬૧/ઇસ.૮૭૫માં નીશાપુરમાં થયું હતું.
ઈદ્બટ્ઠૈઙ્મ. :-દ્બજટ્ઠીીઙ્ઘ૧૮૧જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
(મો. ૯૬૨૪૦૪૬૬૭૭)
(નોંધ : દૈનિકમાં પ્રકાશિત થતા લેખોમાંના વિચારો જે-તે લેખકોના પોતાના છે. ‘ગુજરાત ટુડે’ તેની સાથે સહમત હોય એ જરૂરી નથી.)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks