વિખ્યાત ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી
બનુ ઉમૈયાનો અંતિમ કાળ હતો ત્યારે એક મહાન ખગોળશાસ્ત્રી ઈ.સ.૭૪૬માં પ્રખ્યાત વૈજ્ઞાનિક ઈબ્રાહીમ બિન જન્દબના ઘરમાં જન્મ્યો. તેનું કુટુંબ ઘણાં સમય પહેલાંથી જ કૂફામાં આવીને વસી ગયું હતું. તેનું આખું નામ મુહમ્મદ બિન ઈબ્રાહીમ અલ-ફઝારી હતું. તે ‘અલ-ફઝારી’ના નામથી મશહૂર છે. ચાર વર્ષ પછી બનુ ઉમૈયાનું શાસન સમાપ્ત થયું અને બનુ અબ્બાસનો યુગ શરૂ થયો. બનુ અબ્બાસનો પહેલો ખલીફા અબુલ અબ્બાસ સફાહ હતો. તેના મૃત્યુ પછી તેનો ભાઈ અબુ જાફર મન્સૂર ખલીફા બન્યો. તે શિક્ષણ પ્રેમી હતો. તેણે વિદ્વાનોને જુદા-જુદા સ્થળોએથી આમંત્રણ આપીને તેમની એક ટીમ બનાવી હતી. આ ટીમ જ્ઞાન-વિજ્ઞાનના વિભિન્ન ક્ષેત્રોમાં મહત્ત્વના કામો કરતી હતી. ફઝારીના પિતા ઈબ્રાહીમ બિન જન્દબ પણ મન્સૂરની આ ટીમના એક સક્રિય સભ્ય હતા. મુહમ્મદ બિન ઈબ્રાહીમ ફઝારીએ પોતાના પિતાથી ખગોળશાસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આ વિદ્યામાં પારંગત બની ગયા. તેમને નૌબતખાં, માશાઅલ્લાહ અને ઉમર બિન ફરહાન અલ-તબરી જેવા ખગોળવેત્તાઓ સાથે મળીને કામ કરવાની તક મળી. તેનાથી તેમની કાબેલિયતોમાં ખૂબ વધારો થયો. તેમની કાબેલિયતોની જાણકારી જ્યારે અબુ જાફર મન્સૂરને થઈ તો તેણે ફઝારીને પોતાના રાજદરબારના એક સભ્ય બનાવી લીધા.થોડાક સમય પછી સિંધના બાદશાહનો ‘મકના’ નામે દૂત આવ્યો, જે એક મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતવિદ્ હતો. તે ગુપ્ત પરિવારના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને ખગોળવેત્તા ‘બ્રહ્મગુપ્તા’ની પ્રખ્યાત અને મશહૂર રચના ‘સિદ્ધાંત’ પોતાના સાથે લાવ્યો હતો. તે પુસ્તક મન્સૂરને ખૂબ પસંદ આવ્યું. મન્સૂરે આ પુસ્તકનો અનુવાદ થાય તેવી ઈચ્છા કરી. આ કામ માટે તેની નજર યાકૂબ બિન તારિક અને ઈબ્રાહીમ ફઝારી પર ઠરી ગઈ. ફઝારીએ આ પુસ્તકના અનુવાદમાં કોઈ કસર ન છોડી. આ પુસ્તકને ‘ઝિજ અલ-સિન્દ હિન્દ’થી ઓળખવામાં આવે છે. ફઝારીનું આ પહેલું મહત્ત્વનું કામ હતું, જેણે મુસલમાનોને હિન્દુ ગણિત અને હિન્દુ ખગોળશાસ્ત્રથી માહિતગાર કર્યા. આ જ વસ્તુ ઈસ્લામી ખગોળશાસ્ત્રની શરૂઆતનું કારણ બન્યું. ફઝારીએ આ વિષયે એક બીજું પુસ્તક લખ્યું. જેનું નામ ‘ઝિજ અલ-સિન્દ હિન્દ અલ-કબીર’ રાખ્યું. ‘ઝિજ અલ-સિન્દ હિન્દ’ની જે આ પુસ્તકમાં પણ ગ્રહનું સૂર્યોચ્ચ બિન્દુ, ‘નિઝામે કલ્પા’ (System of the kalpa and the mean motions of the planets, their apogees and their nodes)નું વર્ણન વગેરે જોવા મળે છે. ફઝારીનું ખગોળશાસ્ત્રના વિષયે એક અન્ય પુસ્તક ‘ઝિજ અલા સિનિ અલ-અરબ’(Az-Zij ala Sini al-arab) છે. આ પુસ્તક ફઝારીએ ઈ.સ.૭૯૦માં લખ્યું હતું. તેમાં ફઝારીએ ૬૦ વર્ષોમાં કરવામાં આવેલ તારાઓના ભ્રમણના નિરીક્ષણની સમજૂતી આપી છે. તેમાં એવી પદ્ધતિઓ પણ બતાવવામાંઆવી છે, જેનાથી અરબી વર્ષ અને મહિનાની પ્રથમ તારીખની જાણકારી મેળવી શકાય છે. ફઝારીએ પૃથ્વીના ક્ષેત્રફળનો જે અંદાજ લગાવ્યો હતો તે બીજા ખગોળશાસ્ત્રીઓના અંદાજ કરતા વાસ્તવિકતાથી વધારે નજીક હતો.અલ-સફદી અને યાકૂત અનુસાર ફઝારીએ ‘કસીદહ ફી ઈલ્મુલ-નુજૂમ’ (Qasida fi Ilm Al-nujum yÚkkoík Poem on the Science of the Stars) નામનું પુસ્તક લખ્યું હતું.પુસ્તકોના નિષ્ણાતોનું કહેવું છે કે ફઝારીએ મુસ્તવી ઉસ્તુરલાબ, આકાશી ગોળાઓ અને મધ્યાહ્નના માપ વિશે પણ લખ્યું હતું.ટૂંકમાં ફઝારીએ જાણીતા હિન્દુસ્તાની ખગોળીય માપદંડો અને હિસાબી પદ્ધતિઓથી લાભ ઉઠાવીને ઈસ્લામી વિદ્યાઓ અને જ્ઞાન-વિજ્ઞાનને પ્રગતિના પંથે આગળ વધાર્યા હતા.આ મહાન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી હારૂન રશીદના શાસનકાળમાં પોતાના મહાન કારનામાઓ અને કાબેલિયતોથી લોકોને પરિચિત કરાવીને ઈ.સ.૮૦૬માં અવસાન પામ્યો.
- મૌલાના સિરાજુદ્દીન નદવી
(સૌ : મુસ્લિમ વૈજ્ઞાનિકો શોધ અને સેવાઓ પુસ્તકમાંથી સાભાર)