મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં દોડતી થઈ સરકાર : આગેવાનો સાથે કરી બેઠક

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
પાટણના બનાવમાં દલિતના મૃત્યુને પગલે સ્થિતિ તંગ બનતા સરકાર દોડતી થઈ ગઈ છે અને બેઠકોનો દોર આરંભી દીધો છે. દલિતો આગેવાનો સાથે પ્રતિનિધિમંડળ, મધ્યસ્થી શંભુપ્રસાદ ટૂંડિયા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એક બેઠક મળી હતી.જેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે નીતિન પટેલે ઘટનાને ગંભીર ગણાવી મૃતકના પરિવારને રૂા.૮ લાખની સહાય તથા જમીન પરત આપવા અને પરિવારની ઈચ્છા મુજબ તપાસ કરવાનું જણાવ્યું હતું. સ્વર્ણિમ સંકુલ-૧માં મળેલી બેઠકમાં આઇપીએસ આર.બી. બ્રહ્મભટ્ટ, કમલ દયાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શંભુપ્રસાદ ટૂંડિયાએ જણાવ્યું હતું કે, સરકાર માગણીઓને લઇને સકારાત્મક છે અને માંગણીઓએ અંગે સરકાર ટૂંક સમયમાં જ જાહેરાત કરી શકે છે. અગ્રસચિવ કમલ દયાણી અને ગાંધીનગર કલેક્ટર સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોને મળ્યા હતા તેમજ દલિત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને માગણીઓ અંગે ચર્ચા પણ કરી હતી. ભાનુભાઈનાં મોત મામલે પરિવારજનોએ મીડિયા સાથે વાતચીતમાં પોતાની માગણીઓ અંગે જણાવ્યું હતું કે, અમારી માગણી ન સંતોષાય ત્યાં સુધી અમે ભાનુભાઈનો મૃતદેહ નહીં સ્વીકારીએ. ભાનુભાઈની લડાઈને અમે પરિણામ સુધી પહોંચાડીશું. માગણીઓ નહીં સ્વીકારાય તો રણનીતિ પ્રમાણે આગળ વધીશું. ર૪ કલાકમાં દુધખાની જમીન મામલે નિરાકરણ આવે તેવું અમે ઈચ્છીએ છીએ. જે જમીનના આદેશ થયા તેની ફાળવણી થવી જોઈએ. જમીનની ફાળવણી કરી કાર્યવાહી પૂર્ણ થાય. ભાનુભાઈએ અન્ય પરિવાર માટે પ્રાણની આહૂતિ આપી છે તેથી કેન્દ્ર સરકારને રજૂઆત કરી તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે. ભાનુભાઈના પુત્રને પસંદગીના સ્થળે મૂકવામાં આવે તેમજ સમાજ ભાનુભાઈને વર્ષો સુધી યાદ રાખે તે માટે સ્મારક બને તેવું અમે ઈચ્છીએ છીએ. અમારી તમામ માગણીઓ બંધારણીય, વ્યાજબી છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અમારી માંગ છે. એસઆઈટીની રચનામાં એક અધિકારીનું નામ પરિવાર સૂચવશે. આ સાથે પરિવારે કાયદો-વ્યવસ્થા હાથમાં ન લેવા અને શાંતિની અપીલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts