મેઘરજ,તા.ર૦
મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર પક્ષપલટો કરી ભાજપના ટેકાથી જીત મેળવતાં ભાજપની છાવણીમાં આનંદની લાગણી ફેલાઈ છે.
વિગત એવી છે કે રર સભ્યો ધરાવતી મેઘરજ તાલુકા પંચાયતમાં ભાજપ-૧૪, કોંગ્રેસના-૬ તથા ર-અપક્ષોનો સમાવેશ થાય છે. મેઘરજ તાલુકા પંચાયતમાં પ્રમુખપદ માટે અનુ.જન જાતિ મહિલા સીટ જાહેર થતાં ભાજપ વિમાસણમાં મુકાયું હતું. તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં મહિલા ઉમેદવારના અભાવે તાલુકા પંચાયત હાથમાંથી સરકી જવાનો વારો આવેલ હતો. ભાજપને તાલુકા અને જિલ્લા સંગઠને જોડ-તોડ રાજનીતિ અપનાવી કોંગ્રેસના સુરતાબેન ડામોરને પક્ષપલટો કરાવી પ્રમુખ પદ માટે ભાજપમાંથી ફોર્મ ભરાવી દાવેદારી નોંધાવતાં કોંગ્રેસમાં હડકંપ મચ્યો હતો. જેમાં મેઘરજ તાલુકા પંચાયતના સભાખંડમાં ચૂંટણી અધિકારી પી.એમ.ડામોરના સાંનિધ્યમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં પ્રમુખ તરીકે સુરતાબેન ભરતભાઈ ડામોરને બે અપક્ષ ઉમેદવાર સાથે ૧૬ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લીલાબેન ડામોરને ૬ મતો મળ્યા હતા. જેથી ભાજપના સુરતાબેન પ્રમુખ તરીકે જાહેર થયા હતા અને ઉપપ્રમુખ તરીકે સોમાભાઈ જગાભાઈ ખરાડી બિન હરિફ જાહેર થયા હતા.