મેઘરજ,તા.ર૪
મેઘરજ તાલુકાના અજુહીરોલા ગામના રમેશભાઈ ભાથીભાઈ ડામોરે મેઘરજ પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ દ્વારા લોકોને દારૂના કેસમાં સંડોવણી કરી દેવાની બીક આપી રૂા.નો તોડ કરવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગઢવી અને કુલદીપ કનુભાઈએ તા. ૧૬ના રોજ સંબંધીના ઘરેથી આવતા બે ભાઈઓ સામે દારૂનો ખોટો ગુનો દાખલ કરવાની બીક આપી રૂા.૪૦ હજાર પડાવ્યા હોવાની લેખિત રજૂઆત લાંચ રૂશ્વત બ્યુરોમાં કરતા પોલીસ બેડામાં અફરાતફરી મચી જવા પામી છે. વિગત અનુસાર રમેશભાઈ ડામોર અને તેમના કાકાનો છોકરો બન્ને તેમના બેનના ત્યાંથી રાત્રીના ર૦ કલાકે બાંઠીવાડા મુકામે પરત ફરી રહ્યા હતા ત્યારે મેઘરજ પોલીસના અર્જુનસિંહ અને કુલદીપ વાંઘામાં ઉભા હતા આ બન્ને પોલીસ કર્મીઓએ બન્ને ભાઈઓને ઉભા રાખી તમે દારૂનો ધંધો કરો છો અને વાંઘામાં મુકેલો દારૂ બતાવી આ દારૂ તમારો છે. તેમ કહી મોટરસાયકલની ચાવી કાઢી રમેશભાઈ પાસેથી તેમના પિતાનો ફોન નંબર મેળવી ફોન કરી તમારો છોકરો દારૂનો ધંધો કરે છે અને તે દારૂ સાથે પકડાયો છે. તેથી રમેશભાઈના પિતા તેમના સંબંધીઓ સાથે ઘટના સ્થળે આવ્યા હતા અને ત્યારે હાજર આ બન્ને પોલીસ કર્મીઓએ વાલીઓને કહ્યું કે તમારા દીકરા દારૂનો ધંધો કરે છે તેમ કહી રૂા. ૭૦ હજારની માંગ કરી હતી. રમેશભાઈના પિતાએ મારી પાસે ૭૦ હજાર રૂા. નથી તેમ જણાવ્યું ત્યારબાદ રૂા.૪૦ હજારમાં તોડ કરી ૪૦ હજાર રૂપિયા લીધા હતા રમેશભાઈ ડામોરે પોતે ગુનામાં ન હોવા છતાં પોલીસે પડાવેલા ૪૦ હજાર રૂા. પરત આપવા માટે લાંચ રૂશ્વત બ્યુરો અમદાવાદમાં લેખિત રજૂઆત કરી હતી.