(એજન્સી) લખનૌ, તા.ર૧
મેરઠ અને હાપુર જિલ્લામાં કોમી તંગદિલી વ્યાપી જવા પામી હતી. હાપુરમાં ટોળા દ્વારા લઘુમતી સમુદાયના એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. જ્યારે મેરઠમાં સ્થાનિકોને ધર્મ-પરિવર્તન કરાવતાં હોવાના આરોપસર બજરંગ દળના કાર્યકરોએ એક ચર્ચના પાદરી પર હુમલો કર્યો હતો. મેરઠની ઘટના બદલ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી વિસ્તૃત અહેવાલ મંગાવ્યો હતો. હાપુરથી પ્રાપ્ત અહેવાલોને સમર્થન આપતા જણાવવામાં આવ્યું હતું કે, હિન્દુ સંગઠનના કાર્યકરોએ ખેતરમાંથી કેટલીક ગાયો કતલ માટે ઉઠાવી જવાતી હોવાની અફવાને આધારે માદાપુર ગામ તરફ દોટ મૂકી હતી. જ્યાં ખેતરમાં કાસિમ અને સમેયદ્દીન કામ કરી રહ્યા હતા. હિન્દુ સંગઠનના ગુંંડાઓએ કોઈપણ જાતની હકીકત જાણ્યા વિના બન્ને પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની માહિતી બાદ અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા.
પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાતા ફરજ પર હાજર ડૉક્ટરોએ કાસિમને મૃત ઘોષિત કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં કોમી તંગદિલી વ્યાપી જવા પામી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
મેરઠમાં બજરંગદળના કાર્યકરોએ સેન્ટ થોમસ ચર્ચના પાદરી અને કર્મચારી પર ઘાતકી હુમલો કર્યો હતો. તેમની સામે રૂપિયાની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પાદરીને પોલીસને સોંપી કેસ નોંધાવવામાં આવ્યો હતો.