(એજન્સી) તા.૧૭
નવી સામે આવેલી તસવીરોમાં ક્ષતિગ્રસ્ત સૈન્ય વિમાનો, તબાહ થયેલા ટ્રેલર્સ અને નુકસાન પામેલી સુવિધાઓ જોવા મળી રહી છે, જે મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓની ગંભીરતા દર્શાવે છે. પેન્ટાગોન ઇન્સ્પેક્ટર જનરલના રિપોર્ટ અનુસાર, ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દરમિયાન યુએસ સેન્ટ્રલ કમાન્ડે આઠ દેશોમાં સ્થિત અમેરિકી બેઝ પર સેંકડો ઇમારતો અને સ્ટ્રક્ચર્સને ભારે નુકસાન કે વિનાશ થયો હોવાનું સ્વીકાર્યું છે. ૨૮ ફેબ્રુઆરીથી ૩૦ જૂન વચ્ચે આ લશ્કરી અભિયાનનો અંદાજિત ખર્ચ ઇં૩૩.૪ બિલિયન (અંદાજે રૂા.૨.૮ લાખ કરોડ) થયો છે.આ તસવીરો સઉદી અરેબિયા અને કુવૈતના બે અમેરિકી સૈન્ય મથકોની છે, જે સક્રિય યુએસ સૈનિકો દ્વારા સીબીએસ ન્યૂઝ (ઝ્રમ્જી દ્ગીુજ) ને ગોપનીય રીતે પૂરી પાડવામાં આવી હતી. નામ ન આપવાની શરતે એક સૈનિકે સ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું હતું કે અમેરિકી જનતાથી નુકસાનની વાસ્તવિકતા છુપાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું, “આપણે આંખો બંધ કરીને ઊભા છીએ અને આપણા મોઢા પર મુક્કા પડી રહ્યા છે. આ આપણા બેઝને થયેલું એવું મોટું નુકસાન છે જે અમેરિકન જનતા સુધી પહોંચાડવામાં આવ્યું નથી.”રિપોર્ટ અનુસાર ઈરાની હુમલાઓએ કુવૈત, બહરીન, કતાર, સંયુક્ત અરબ અમીરાત (ેંછઈ), સઉદી અરેબિયા, ઇરાક, ઓમાન અને જોર્ડનમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર સેંકડો ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત સંઘર્ષ દરમિયાન ડઝનબંધ અમેરિકી સૈન્ય વિમાનો પણ નુકસાન પામ્યા છે અથવા નાશ પામ્યા છે. નોંધનીય છે કે બેઝના રિપેરિંગનો ખર્ચ ઇં૩૩.૪ બિલિયનના પ્રારંભિક આંકડામાં સામેલ નથી, જેથી આ કુલ ખર્ચ હજુ વધવાની શક્યતા છે.ચાર મહિનાના આ લશ્કરી ખર્ચમાં સૌથી મોટો હિસ્સો શસ્ત્રસરંજામ (મ્યુનિશન્સ) પાછળ ગયો છે, જે ઇં૨૨.૩ બિલિયન જેટલો હતો. મહિનાઓ સુધી ચાલેલા ઓપરેશન બાદ યુએસ હથિયારોના પુરવઠામાં અછત સર્જાઈ હોવાનો ઇન્સ્પેક્ટર જનરલે અહેવાલ આપ્યો છે, જે ડોનાલ્ડ ટ્રમ્પના “અમર્યાદિત” દારૂગોળો હોવાના દવાઓથી વિપરીત છે. સંરક્ષણ વિભાગે ઉત્પાદન ઝડપી બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ ઘરેલું ઔદ્યોગિક ક્ષમતા વધારવામાં સમય લાગશે તેવી ચેતવણી અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલે ઇરાનને પરમાણુ ક્ષમતા હાસિલ કરતા રોકવાના નામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. જવાબમાં ઈરાને પ્રદેશમાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલા કર્યા હતા અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી દરિયાઈ વાહન વ્યવહારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.