નવી દિલ્હી,તા. ૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી ઓક્ટોબરના દિવસે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરમાં દર્શને પહોંચનાર છે. પાંચ મહિનાથી પણ ઓછા સમય ગાળાની અંદર મોદી બીજી વખત કેદારનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચનાર છે. મળેલી માહિતી મુજબ મોદી સૈનિકો સાથે આ વર્ષની દિવાળી ઉજવવા માટે તૈયાર છે. સુત્રોના કહેવા મુજબ આ વખતે મોદી ચીની સરહદ પર ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી) અને ભારતીય સેના સાથે દિવાળીની ઉજવણી કરનાર છે. દિવાળીના આગલા દિવસે મોદી કેદારનાથ મંદિરમાં પહોંચનાર છે. ઉત્તરાખંડની યાત્રા દરમિયાન મોદી ભરચક કાર્યક્રમ ધરાવે છે. તેઓ મંદિર સંરક્ષણ દિવાળ સહિત જુદા જુદા પ્રોજેક્ટોનુ લોકાર્પણ કરનાર છે. મંદિર સંરક્ષણ દિવાલ વર્ષ ૨૦૧૩ના વિનાશકારી પુર જેવી ઘટનાઓને રોકવા માટે બનાવવામાં આવી રહી છે. કેદારનાથમાં ૨૦૧૩ના વિનાશકારી પુરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. મોદીના કાર્યક્રમને લઇને હજુ સુધી કોઇ માહિતી જારી કરવામાં આવી નથી પરંતુ મોદીના કાર્યક્રમને નક્કી ગણવામાં આવે છે. ૨૦૧૮ સુધી પૂર્ણ કરવામાં આવનાર કેટલાક પ્રોજેક્ટોની આધારશીલા પણ તેઓ મુકનાર છે. હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેદારનાથ મંદિરમાં તેઓ દર્શન કરનાર છે. મોદીએ હાલમાં જ ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા પણ હાલમાં ઉત્તરાખંડના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત અગાઉ પુરના કારણે થયેલા નુકસાન બાદ તૈયાર કરવામાં આવનાર દિવાલને લઇને ચર્ચા કરવાના સંદર્ભમાં વાત કરી હતી. ચૂંટણી પાસાઓ ઉપર પણ ચર્ચા થઇ હતી.