નવીદિલ્હી,તા.૨૧
શુક્રવારના રોજ દિવસ દરમ્યાન મેરોથોન ચર્ચા બાદ જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થયું તો પરિણામ સ્ક્રીન પર તરત જ ફ્લેશ થયું તો મોદી સરકારની ધાક દેખાવા લાગી. પરંતુ આ બધાની વચ્ચે ભાજપના ત્રણ સાંસદોએ વોટિંગ કર્યું નથી. વાત એમ છે કે અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં એટલે સરકારના પક્ષમાં ૩૨૫ વોટ પડ્યા જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં સરકારના વિરોધમાં માત્ર ૧૨૬ વોટ પડ્યા.
હવે વાત એમ છે કે ગઇકાલે ગૃહમાં માત્ર ૪૫૧ સાંસદ હાજર હતા, એટલે કે જેટલાં સાંસદ હાજર હતા તેના બે તૃત્યાંશનો આંકડો પાર કરી લીધો. આંકડાની દ્રષ્ટિથી આ મોદી સરકારની દમદાર જીત મનાશે. ભાજપની પાસે ગૃહમાં ૩૨૮ સાંસદોનો આંકડો હતો અને તેમના પક્ષમાં ૩૨૫ વોટ પડ્યા. એવામાં પ્રશ્ન એ ઉઠ્યો છે કે તો તે ત્રણ સાંસદો કોણ છે જેમણે વોટ આપ્યો નથી. જો કે હજુ એ ખબર પડી શકી નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમ્યાન ગૃહમાં એનડીએ સરકારના પક્ષમાં કુલ ૩૨૮ સાંસદ હતા. તેમાં ભાજપના ૨૭૧ સાંસદ, એઆઇએડીએમકેના ૩૭ સાંસદ, એલજેપીના ૬ સાંસદ, અકાલી દળના ૪ સાંસદ, જેડીયુના ૨ સાંસદ, આરએલએસપીના ૨ સાંસદ, અને અપના દળના ૨ સાંસદ હાજર રહ્યાં. રિપબ્લિકન પાર્ટી, નાગા પીપુલ ફ્રન્ટ, નેશનલ પીપુલ પાર્ટી અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના ૧-૧ સાંસદોએ પણ સરકારના પક્ષમાં વોટિંગ કર્યું. એવામાં સરકારના પક્ષમાં પડેલા વોટોનો આંકડો ૩૨૮ થવો જોઇતો હતો. પરંતુ એ ત્રણ સાંસદ કોણ હતો, જેમણે વોટ આપ્યો નથી, તેની હજુ પણ ખબર પડી નથી.