(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા હ્યુમન રાઈટ્સ વોચના વર્લ્ડ રિપોર્ટ ર૦૧૮માં હાલની કેન્દ્રની મોદી સરકાર વિશે તીવ્ર આલોચના કરતા જણાવવામાં આવ્યું કે દેશમાં લઘુમતીઓ ઉપર થઈ રહેલ હુમલાઓને સરકાર રોકી શકી નથી. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતમાં વર્ષ ર૦૧૭માં ધાર્મિક લઘુમતીઓ, હાંસિયાના સમુદાયો અને સરકારના ટીકાકારોને નિશાના પર લઈને કરવામાં આવેલ પૂર્વનિયોજિત હિંસા એક ખતરારૂપે સામે આવી છે. આ હિંસાઓને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સમર્થનનો દાવો કરતાં સમૂહો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે સરકાર તત્કાળ અને વિશ્વસનીય તપાસ કરાવવામાં અસફળ રહી જ્યારે ભાજપના કેટલાય વરિષ્ઠ નેતાઓએ હિન્દુ પ્રભુત્વ અને કટ્ટર રાષ્ટ્રવાદને સાર્વજનિક રૂપમાં પ્રોત્સાહિત કર્યું જેણે વધુ હિંસા ફેલાવી. હ્યુમન રાઈટ્સ વોચના રિપોર્ટમાં કેન્દ્રની મોદી સરકારને દેશમાં લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમો પર થઈ રહેલા હુમલાઓને ન રોકવા તેમજ ખરી દિશામાં તપાસ ન કરવાના મામલે આડેહાથ લીધી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું કે લઘુમતી સમુદાયો ખાસ કરીને મુસ્લિમો વિરૂદ્ધ સત્તારૂઢ ભાજપ સાથે જોડાયેલ ચરમપંથી હિન્દુ સમુદાયોના ટોળા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન મુસ્લિમો પર સતત હુમલા કરવામાં આવ્યા. આ હુમલાઓ એવી અફવાના જોરે કરવામાં આવ્યા કે મુસ્લિમોએ બીફ માટે ગાયોના ખરીદ-વેચાણ અથવા કતલ કર્યા છે. હુમલાખોરો વિરૂદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાને બદલે પોલીસે ગૌહત્યા પ્રતિબંધ દ્વારા હેઠળ પીડિતો વિરૂદ્ધ ફરિયાદો દાખલ કરી. નવેમ્બર માસ સુધીમાં આવા ૩૮ હુમલાઓ થયા અને એમાં આ વર્ષે ૧૦ લોકો માર્યા ગયા. હ્યુમન રાઈટ્સ વોચના અહેવાલમાં આરએસએસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આખરે આ પ્રકારની હિંસાને વખોડી કાઢયા બાદ પણ ભાજપ સાથે સંકળાયેલ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) ગૌ-તસ્કરી અને લવજેહાદ રોકવા માટે પાંચ હજાર ધાર્મિક સૈનિકોની ભરતીની ઘોષણા કરી. રિપોર્ટ પ્રકાશિત થયા બાદ હ્યુમન રાઈટ્સ વોચની દક્ષિણ એશિયા ડાયરેકટર મીનાક્ષી ગાંગુલીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતમાં અધિકારીઓએ પોતે જ સાબિત કરી દીધું છે કે તેઓ ધાર્મિક લઘુમતીઓ અને ખતરાનો સામનો કરી રહેલ અન્ય સમૂહો પર સતત થઈ રહેલ હુમલાઓથી એમને બચાવવામાં અનિચ્છુક છે. આ રિપોર્ટમાં લઘુમતીઓ પરના હુમલાઓ સિવાય અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારોનું હનન અને કાનૂન વ્યવસ્થાના નામ પર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા જેવા મામલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્લ્ડ રિપોર્ટના ર૮માં સંસ્કરણ હ્યુમન રાઈટ્સ વોચ દ્વારા દુનિયાના ૯૦થી વધુ દેશોમાં માનવાધિકારોની સ્થિતિ વિશે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.