મોરવાહડફની અનામત બેઠકના અપક્ષ ધારાસભ્યનું આદિવાસી પ્રમાણપત્ર રદ !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
પોતાની હાર કે ખરાબ દેખાવને પચાવી ખેલદિલી દાખવવી એ તો જો કે રાજકીય જગતમાં જવલ્લે જ જોવા મળે છે તેની સામે હારની દાઝ-દુશ્મન ખટરાગ જારી રાખવાની ઘટનાઓ બનતી રહે છે. તેમાંય રાજ્ય અને કેનદ્ર સરકારમાં સત્તાસ્થાને બિરાજવા ઉપરાંત દેશના મોટા ભાગના રાજ્યોમાં સત્તા મેળવવા છતાંય ભારતીય જનતા પાર્ટી હાર કે ખરાબ દેખાવને હજુ સુધી પચાવી શકતી નથી. થોડાક મહિનાઓ અગાઉ ગોવા, મણિપુર સહિતના ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો વખતે પણ સ્પષ્ટ બહુમતી ન મળી હોવા છતાં રાજકીય કાવાદાવા સાથે સત્તા હાંસલ કરનાર ભાજપ આવી એકેય તક જવા દેવા માંગતી નથી. ગુજરાતની ચૂંટણીના પરિણામો બાદ બહુ મોટી બહુમતી મેળવી ન શકનાર ભાજપ હવે કાવાદાવાનું રાજકારણ રમી રહ્યું છે. મોરવાહડફની અનામત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર ધારાસભ્યનું અનામતનું પ્રમાણપત્ર જ રદ કરી દેવાનો ભાજપ સરકારે હુકમ જારી કરી દીધો છે જેને કારણે તેમનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાયું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી બહુમતી મતો ધરાવતી અને અનુસૂચિત જનજાતિની અનામત એવી મોરવાહડફ બેઠક પરથી અપક્ષ ઉમોદવાર તરીકે ભૂપેનદ્ર ખાંટ ચૂંટણી જીતેલ છે. તેઓએ ભાજપના અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવારોને પરાજય આપ્યો હતો. કોંગ્રેસે જોડાણને કારણે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (છોટુ વસાવા)ના ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો. વિજેતા થયેલ ઉમેદવાર ભૂપેન્દ્ર ખાંટે કોંગ્રેસમાંથી જ ટિકિટ માંગી હતી પરંતુ જોડાણને કારણે ટિકિટ ન અપાતા તેમણે બળવો કરી અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને સફળતા મેળવી હતી. દરમ્યાન પરિણામો પછી સરકારની રચના વખતે ભૂપેન્દ્ર ખાંટે કોંગ્રેસને સમર્થન જાહેર કરી કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરતાં ભાજપના પેટમાં તેલ રોડાયું હતું. જેને પગલે રાજકીય કાવાદાવાની ગેમ શરૂ થઈ હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. દરમ્યાન પંચમહાલની મોરવાહડફની અનામત બેઠક પરથી ચૂંટાયેલ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી અંગેનું પ્રમાણપત્ર જ રદ કરી દેવાનો રાજ્યના આદિવાસી કમિશનરે આદેશ જારી કરતા રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટના અંગે ભાજપ તરફી સૂત્રો બચાવમાં એવી સ્પષ્ટતા કરે છે કે સ્થાનિક આદિવાસી અગર્ણીઓએ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે ખોટી રીતે આદિવાસી પ્રમાણપત્ર મેળવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમનું પ્રમાણપત્ર મેળવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમનું પ્રમાણપત્ર રદ કરવાની માગણી કરી હતી. આ સાથે ધારાસભ્ય ખાંટ ખોટા પ્રમાણપત્રને આધારે ખોટા અપપ્રચાર કરી ચૂંટણી જીત્યા હોવાના આક્ષેપો સાથે આદિવાસી અધિકાર રેલી યોજી મોરવા હડફના મામલતદારને અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું હતું. જેને પગલે આદિવાસી વિકાસ કમિશનરે પ્રમાણપત્ર રદ કર્યાનું જણાવ્યું છે. દરમ્યાન રાજ્યમાં આ રીતે ચૂંટાયેલા ધારાસભ્ય સામેની કદાચ પ્રથમ ઘટનામાં ધારાસભ્ય પદ સામે સવાલો ઊભા થવા પામ્યા છે. કેમ કે અનામત બેઠક માટે જરૂરી એવા અનામતનું પ્રમાણપત્ર જ જ્યારે રદ થાય તો પછી ચૂંટાયેલ ઉમેદવાર ધારાસભ્ય તરીકે પણ ગેરલાયક ઠરી શકે તેમ હોઈ ભૂપેન્દ્ર ખાંટે આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે આ આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચની કાર્ય નીતિ-રીતિ તથા સરકારી વિભાગ સામે ઊભા થયા પ્રશ્નો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે કડક નિયમો અમલમાં મુકવામાં આવતાં હોય છે અને તેમાં વારંવાર નવા ઉમેદવારો સાથે તેને વધુ કડક બનાવવાની તજવીજ પણ હાથ ધરાતી રહે છે ત્યારે ઉમેદવારો દ્વારા ભરાતા ઉમેદવારી પત્રકોમાં કડક નિર્દેશો મુજબ સોગંદનામા સાથે સાચી વિગતો અને પ્રમાણપત્રો રજૂ કરાતા હોય છે અને તેની પંચ દ્વારા કડક રીતે ચકાસણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે હવે મોરવાહડફના ઉમેદવારનું આદિવાસી અનામત તરીકેનું પ્રમાણપત્ર ખોટુ માલુમ પડ્યું તો ચૂંટણી પંચ દ્વારા તેની ચકાસણી કરાઈ જ ન હતી ? કે પછી ચૂંટણી પંચ ખોટા પ્રમાણપત્રને પકડી શકવામાં નિષ્ફળ રહ્યું ? જેમાં વિવિધ સવાલો સાથે ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર ઓથોરિટીની કામગીરી ઉપર જ શંકા ઊભી થઈ રહી છે. એટલે કે ગુજરાત સરકારના ચૂંટાયેલા ધારાસભ્યના પ્રમાણપત્ર રદ કરવાના નિર્ણયે કેન્દ્રીય ચૂંટણી પંચની કાર્ય-નીતિ-રીતિ સામે જ પ્રશ્નો ઊભા કરી દીધા હોવાની ચર્ચા રાજ્યમાં ઠેર-ઠેર શરૂ થઈ જવા પામી છે. આ સાથે રાજ્ય સરકારની જ આવા અનામત અંગેના પ્રમાણપત્ર ઈશ્યુ કરનારા વિભાગોની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. સરકારનું તંત્ર કેટલી હદે ખાડે ગયું છે કે અનુસૂચિત જનજાતિ જેવી સૌથી વધુ અનામતના લાભ લેનારી જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે બની શકે ? આ તો ખુદ પારદર્શક વહીવટની બડાશ મારતી ભાજપ સરકાર સામે જ પડકારરૂપ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks