મોહમ્મદ (સ.અ.વ.)સાહેબના જીવનનું નૈતિક સ્વરૂપ

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ હંમેશા જ સાચા, ઈમાનદાર, દયાવાન, કૃપાશીલ, વચન પૂર્ણ કરનાર તથા અન્ય લોકોની સહાયતા કરતા અને સહયોગ પુરો પાડતા હતા. આ જ ગુણોને કારણે મક્કાના લોકો તેમને સત્યવાદી (સાદિક) તથા વિશ્વાસપાત્ર અને ન્યાયધારી(અમીન) જેવા ઉપનામોથી પોકારતા હતા.
કુર્આનમાં મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના આચરણ અને વ્યવહારિક સંબંધો અંગે સ્પષ્ટપણે અલ્લાહનું કથન છે કે પયગમ્બર સાહેબ શિષ્ટતા, નૈતિકતા તથા ઉચ્ચ સ્વભાવના ઉચ્ચતમ શિખર ઉપર બિરાજમાન છે. આજ રીતે આપ આ ફાની દુનિયા છોડીને જન્નતનશીન થયા ત્યારબાદ એક વ્યક્તિએ જ્યારે પયગમ્બર સાહેબની પત્ની હઝરત આયશા (રદિ.) સાથે પયગમ્બર સાહેબના નૈતિક વ્યવહાર (અખલાક) અંગે પ્રશ્ન કર્યો તો તેમનો ઉત્તર હતો કે શું તમે કુર્આન નથી વાંચતા ? અર્થાત પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)સાહેબનો નૈતિક વ્યવહાર કુર્આનની શિક્ષાઓ ઉપર જ આધારિત હતો.
કોઈપણ વ્યક્તિના સામાજિક સ્વભાવ અને અનૈતિકતાને જાણવા તથા પારખવા માટે એ જોવું અતિ આવશ્યક હોય છે કે તેમનો પોતીકા તથા પારકા, સગા-સંબંધીઓ તથા દૂરના લોકો, મિત્રો તથા શત્રુઓ સાથે વ્યવહાર કેવો હતો ? આ સામાજિક મૂળ નિયમનો પ્રયોગ જ્યારે આપણે મોહમ્મદ(સ.અ.વ.) સાહેબના જીવન પર કરવામાં આવે છે તો આપણે આ જાણીએ છીએ કે પરિચિત તથા અપરિચિત મિત્ર તથા શત્રુ બધાની સાથે તેમનો હરહંમેશ એક જેવો વ્યવહાર રહ્યો હતો. આને નબી અર્થાત પયગમ્બર (સ.અ.વ.) સાહેબના જીવનમાં ઘટેલી જુદી-જુદી ઘટનાઓથી સમજી અને સ્પષ્ટ કરી શકાય છે.
મક્કાવાસીઓ પયગમ્બર સાહેબની કત્લ કરવાનું ષડયંત્ર ઘડતા તથા બીજી તરફ તેમની ઉપર વિશ્વાસ મૂકીને પોતાની મહત્ત્વપૂર્ણ તથા મૂલ્યવાન વસ્તુઓને સુરક્ષાના ઉદ્દેશથી તેમની પાસે રાખતા હતા. એક પ્રસંગે મક્કાવાસીઓની યાતનાઓથી કંટાળીને જ્યારે પયગમ્બર સાહેબના અનુયાયીઓએ શ્રાપ (શાપ) આપવાની વાત કરી, તે વખતે પયગમ્બર સાહેબે પોતાના સાથીદારોને કહ્યું કે ‘હું સંસાર માટે નિર્દયી અને કઠોર નહીં પરંતુ કૃપાળુ અને દયાળુ બનાવીને મોકલવામાં આવ્યો છું.’
આ જ રીતે તાયફની ઘટના અંગે પણ તાયફવાસીઓએ પયગમ્બર સાહેબ પર પથ્થરમારો કરીને ઘાયલ કરી દીધા તે સમયે પણ પયગમ્બર સાહેબે શ્રાપ આપવાને બદલે ફક્ત એટલું જ કહ્યું કે ‘જો આ વખતે આ લોકો અલ્લાહનો સંદેશ સાંભળતા નથી અને તેની ઉપર વિશ્વાસ મૂકતા નથી તો કોઈ વાત નહીં, મને આશા છે કે આવનાર સમયમાં તેઓની આગામી પેઢીઓ અવશ્યપણે એક અલ્લાહ ઉપર વિશ્વાસ મૂકશે અને તેની ઈબાદત કે ઉપાસના કરશે.
મક્કાવાસીઓએ ૧૩ વર્ષ સુધી પયગમ્બર સાહેબ અને તેમના અનુયાયીઓને યાતનાઓ પહોંચાડી, તેમને કષ્ટ આપ્યું અને પીડિત કર્યા પરંતુ જ્યારે આઠ હિજરી સંવત દરમ્યાન મક્કા ઉપર વિજય મેળવ્યા પછી મોહમ્મદ (સ.અ.વ.) સાહેબે પોતાના દસ હજાર સાથીદારોની સાથે મક્કામાં પ્રવેશ કર્યો તો પાછળથી કોઈકે મોટા અવાજે કહ્યું કે ‘આજે પ્રતિકારનો દિવસ છે.’ તે વખતે તુરંત જ પયગમ્બર સાહેબે કહ્યું કે, ‘નહીં આજે ક્ષમાનો દિવસ છે.’ અને પયગમ્બર સાહેબે તે તમામે તમામ મક્કાવાસીઓને ક્ષમા આપી દીધી. જેમણે અમુક વર્ષ પૂર્વ પયગમ્બર સાહેબને પોતાના ઘરમાંથી નિષ્કાસિત થવા મજબૂર કર્યા હતા તથા તેમની વિરૂદ્ધ યુદ્ધ પણ કર્યું હતું.
ઉપર વર્ણવેલી ઘટનાઓથી મોહમ્મદ (સ.અ.વ.) સાહેબનો સ્વભાવ, આચરણ, શિષ્ટાચાર અને નૈતિક વ્યવહાર અંગે જાણવા મળે છે કે પયગમ્બર સાહેબે પોતાના જીવનથી માનવતાને કોઈને કોઈ પ્રકારે નૈતિક મૂલ્યોના પાઠ શીખવાડ્યા.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks