મ્યુનિ. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ચાલતો ભ્રષ્ટાચાર એ પરાકાષ્ઠા

અમદાવાદ,તા. ૨૮
અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓ અંગેની પીઆઇએલની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે આજે શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટની ચાલી રહેલી કામગીરીને લઇ માર્મિક ટકોર કરી હતી. એટલું જ નહી, હાઇકોર્ટે શહેરના રસ્તાઓના કામકાજ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી ચાલતો ભ્રષ્ટાચાર એ પરાકાષ્ઠા હોવાની ગંભીર ટીકા કરી કસૂરવાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા લાલ આંખ કરી હતી. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો આજની સુનાવણી દરમ્યાન જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે મેટ્રો રેલની કામગીરીને લઇ તેની આસપાસના રસ્તાઓ તૂટતા અને બિસ્માર બનતાં સર્જાયેલી અત્યંત ખરાબ હાલતને લઇ અમ્યુકોને ઝાટકી નાંખતા જણાવ્યું કે, મેટ્રો રેલનું કામ ચાલે છે ત્યાંના રસ્તાઓની હાલત ભયંકર ખરાબ છે. આ રસ્તાઓ તૂટી ગયા છે અને ઉબડખાબડવાળા બની ગયા છે. હાઇકોર્ટે આવા રસ્તાઓ પણ તાત્કાલિક રિપેર કરવા કડક તાકીદ કરી હતી. જેને પગલે એડવોકેટ જનરલે મેટ્રો રેલની કામગીરીની આજુબાજુના રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવાની બાંહેધરી આપી હતી. સાથે સાથે અન્ય બિસ્માર રસ્તાઓ પણ બે અઠવાડિયામાં રિપેર કરવાની ખાતરી આપી ઉતરાયણ પછી અદાલત સમક્ષ રિપોર્ટ રજૂ કરવાની હૈયાધારણ આપી હતી. શહેરના બિસ્માર રસ્તાઓ અંગેની જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે હાઇકોર્ટે અમ્યુકો સહિતના સંબંધિત સત્તાવાળાઓ તરફથી રજૂ થયેલા અલગ-અલગ ૫૫ જેટલા રિપોર્ટ અને વિવિધ સોગંદનામાની હકીકતો અને દસ્તાવેજોના કરેલા અભ્યાસ દરમ્યાન ભ્રષ્ટાચારની ગંભીર અને ચોંકાવનારી હકીકત અદાલતના ધ્યાન પર આવી હતી. જેને પગલે હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને સણસણતા ચાબખા મારતાં બહુ ગંભીર ટીકા કરી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે ઘણી કમનસીબ અને શરમજનક બાબત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી ચાલી રહેલો ભ્રષ્ટાચાર એ પરાકાષ્ઠા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારની સ્થિતિ એ એલાર્મિંગ છે. હાઇકોર્ટે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા લાલ આંખ કરતાં અમ્યુકો તરફથી આ અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હાઇકોર્ટનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરાયો હતો. દરમ્યાન અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટને લઇ વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીના કારણે બિસ્માર બનેલા રસ્તાઓ અથવા તો, તેની આસપાસ કે આજુબાજુના તૂટી ગયેલા રસ્તાઓની પણ હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, મેટ્રો રેલના કારણે ત્યાંના રસ્તાઓની હાલત બહુ ખરાબ છે. હાઇકોર્ટે માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, વિકાસ જરૂરી છે પરંતુ નાગરિકોને હાલાકી પડે તે ચલાવી લેવાય નહી. મ્યુનિસિપલ કમિશનર તેમની ઓફિસમાંથી બહાર નીકળીને રસ્તાઓની મુલાકાત લે અને વાસ્તવિક સ્થિતિથી વાકેફ થાય અને તાત્કાલિક કામ કરે..હાઇકોર્ટે મેટ્રો રેલના કારણે તૂટેલા, બિસ્માર બનેલા કે ઉબડખાબડ થયેલા રસ્તાઓ પણ તાત્કાલિક રિપેર કરવા અમ્યુકો સત્તાવાળાઓને નિર્દેશ કર્યો હતો. એટલું જ નહી, હાઇકોર્ટે કોર્પોરેશનની હદમાં સમાવિષ્ઠ થયેલા ગામડાઓના રસ્તાઓ પણ રિસરફેસ કરવા અને રિપેર કરવા અમ્યુકો અને સરકારપક્ષને તાકીદ કરી હતી. હાઇકોર્ટનો ગરમ મિજાજ પારખી અમ્યુકો તરફથી મેટ્રો રેલવાળા બિસ્માર રસ્તાઓ રિપેર કરવા, એ સિવાયના બિસ્માર રસ્તાઓ બે સપ્તાહમાં રિપેર કરી ઉતરાયણ પછી અદાલત સમક્ષ રિપોર્ટ રજૂ કરવાની હૈયાધારણ અપાઇ હતી.

ડે.ઈજનેરોમાં કોને કોને નોટિસ ?

મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર વિભાગના ડેપ્યુટી ઈજનેરોને શો-કોઝ નોટિસ આપીને તુટેલા રસ્તાઓ મામલે ખુલાસો માંગ્યો છે તેમાં સંજય સુથાર,પી.શાહ, હિમાંશુ મહેતા, રાજેશ રાઠવા, એન.સી.ખરાડી, અતુલ પટેલ, હરગોવન દેસાઈ, એમ.એસ.પરમાર, પરેશ શાહ, હેમંત શાહ, ગોપાલ પટેલ, રાજેશ ચીમનલાલ, સુરેશ પ્રજાપતિ, મહેશ બારોટ, સુનિલ મેકવાન, અશોક સકસેના, રાજેન્દ્ર પટેલ, પ્રકાશ વિંઝુડા અને શ્રીપતિ મારૂતીનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા અમદાવાદ શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે આ અગાઉ દિવાળી પહેલાં ડેપ્યુટી ઈજનેર મનોજ સોલંકી ઉપરાંત આસીસ્ટન્ટ સીટી ઈજનેર હિરેન બારોટ,અતુલ પટેલ,નવીન પટેલ,કૃણાલ ગજજર,નિકુંજ આડેસરા અને ભાવિન પટેલને રસ્તાઓ અને રોડ બનાવવામાં બિટયુમીનનો વપરાશ ન થવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રોડના પ્રશ્ને મ્યુનિ.એ ર૬ ઈજનેરોને નોટિસ પાઠવી

ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પો. ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ હતી. પ્રથમ જ ભારે વરસાદમાં રોડ તૂટી ગયા હતા. જેને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એટલું જ આ મુદ્દો ચૂંટણીમાં ઉછળ્યો હતો. જેને પગલે ગુજરાત સરકાર દ્વારા એએમસી સત્તાવાળાઓ પ્રત્યે લાલ આંખ કરવામાં આવી હતી. પ્રજાના કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવાયા હોવાથી, આ મામલે સત્તાવાળાઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. દરમિયાન આજે હાઈકોર્ટે પણ રસ્તા મામલે ફટકાર લગાવતા એએમસી દ્વારા ૨૬ જેટલા ઈજનેરોને નોટિસ આપવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં નોટિસ આપવામાં આવી હોય તેવી એએમસીના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે. એએમસીના ઈતિહાસમાં ઈજનેરો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમાં ૭ એડિશનલ ઈજનેર, ૧૯ ડે.સિટી ઈજનેરને નોટિસ પાઠવવામાં આવી છે. કોર્ટમાં મુકાયેલ ૯૦ રિપોર્ટ પૈકી ૪પ કેસમાં નોટિસ આપવામાં આવી છે. ૪૫ કેસમાં કુલ ૮૧ નોટિસ ફટકારવામાં આવી છે તો કેટલાય અધિકારીઓને એકથી વધુ નોટિસ ફટકારવામાં આવી છે.

શો-કોઝ મેળવનારા ઇજનેર

અમદાવાદ, તા.૨૮
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે ઈજનેર વિભાગના સાત એડીશનલ ઈજનેરો સહિત ૧૯ જેટલા ડેપ્યુટી ઈજનેરોને તુટેલા રોડ પૈકી ૪૫ રોડ માટે ૮૧ શો-કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે.જે પૈકી ચાર ઈજનેરો નિવૃત્ત થઈ ગયા છે.જેમને શો-કોઝ આપવામાં આવી છે તેમના નામ આ મુજબ છે.
નામ શો-કોઝ રોડ
હિતેષ કોન્ટ્રાકટર ૦૩ ૦૩
પી.એ.પટેલ ૦૪ ૦૪
હરપાલ ઝાલા ૧૧ ૧૬
રાખી ત્રિવેદી ૦૬ ૦૬
એન.કે.મોદી ૦૮ ૦૮
એચ.ટી.મહેતા ૦૬ ૦૬
અમીત પટેલ ૦૨ ૦૨
અમદાવાદના તુટેલા રોડ પાછળ ત્રણ કોન્ટ્રાકટરોની ભૂમિકા
કોન્ટ્રાકટર વર્ષ કુલ કોન્ટ્રાકટ રકમ (કરોડમાં)
આકાશ ઈન્ફ્રા ૨૦૧૬ ૧૨ ૮૬.૩૪
આકાશ ઈન્ફ્રા ૨૦૧૭ ૦૫ ૫૨.૧૦
જી.પી.ચૌધરી ૨૦૧૬ ૦૬ ૩૭.૩૫
જી.પી.ચૌધરી ૨૦૧૭ ૦૩ ૩૩.૮૭
જે.આર.અગ્રવાલ ૨૦૧૬ ૦૩ ૨૯.૭૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks