મ્યુનિ. કમિશનર વિનોદ રાવે કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ : તપાસ કરવા જિ. કલેકટરને આવેદન

વડોદરા, તા.૧૭
શહેરના સંજયનગર ઝૂપડપટ્ટી હટાવ્યા પછી કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી આ જમીન વડોદરા મહાનગર સેવાસદન દ્વારા મફતના ભાવે બિલ્ડરને પધરાવી દેવાના મસમોટુ કૌભાંડ જગ બત્રીસીએ પહોંચ્યું છે. માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપી ધારાસભ્ય યોગેશ પટેલે પી.પી.પી. ધોરણે અપાયેલી યોજનામાં મ્યુનિ. કમિશ્નર વિનોદ રાવે કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. લાંચ પટે તેઓ સોનાના બિસ્કીટ લેતા હોવાથી ગોલ્ડ મેન તરીકે નવાજવામાં આવ્યા છે. તેમની સામે તપાસ કરવા જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે.
આજે અમદાવાદી પોળના ત્રિભેટે જાહેર માર્ગની બાજુએ યોજેલી પત્રકાર પરિષદમાં યોગેશ પટેલે મ્યુનિ. કમિશ્નર વિનોદ રાવ સામે તીર તાકયું છે. વર્તમાન કલેકટરને આપેલા આવેદનમાં તેમણે આક્ષેપ કર્યા છે કે, સેવાસદન દ્વારા પીપીપી ધોરણે અપાયેલી યોજનાઓમાં કાયદાઓનું ઉલ્લંઘન કરી બિલ્ડરોની તરફદારી કરવા અને તેમા કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યાની અનેક ગંભીર ફરિયાદો ઉઠી છે.
અગાઉ વડોદરા કલેકટર તરીકે વિનોદ રાવ હતા. ત્યારે તેમની સામે થયેલ ગંભીર આક્ષેપોમાં લાંચરૂપે સોનાના બિસ્કીટ લેતા હોવાની વાતોને સ્વયં સરકારી ખાતાના સત્તાવાર કાગળમાં પણ તેમનો ઉલ્લેખ ગોલ્ડમેન તરીકે કરવામાં આવ્યો છે. યોગેશ પટેલે આવેદનમાં જણાવ્યું છે કે, અત્યંત ભ્રષ્ટાચારી ગણાતા વિનોદ રાવ સામે ગંભીર આક્ષેપોની તપાસ કરવાનો અને તેનો અહેવાલ સબંધિત ખાતાને આપવાના થયેલા હુકમની સામે અત્યાર સુધી શું કાર્યવાહી થઇ તે જાણવું જરૂરી છે.
પત્રકારોએ સંજયનગર ઝૂંપડપટ્ટીની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને નાખી દીધાના ભાવે પધરાવી દેવાની કાર્યવાહી સામે યોગેશ પટેલને અનેક સવાલો પૂછયા હતા. જેના તેમણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. રૂા.૨૦૦૦ કરોડના કૌભાંડની વિગતો સપાટી ઉપર આવ્યા બાદ શહેરની પાંચ વિધાનસભા બેઠકો ઉપરથી ચૂંટાયેલા ભાજપના પાંચ ધારાસભ્યોમાંથી એક પણે આ કૌભાંડ સામે અવાજ ઉઠાવ્યો નથી. અને ઉઠાવે તેવું લાગતું પણ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks