સરકાર કોને બચાવવા માંગે છે ? શું હાઈકોર્ટની ટકોરની રાહ જુએ છે ? : ધારાસભ્ય ખેડાવાલાના વેધક સવાલ
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
અમદાવાદના નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં ગત બુધવારે મોડીરાત્રે લાગેલી આગની ઘટનાને ચાર દિવસ થયા છતાં કોઈ અકળ કારણસર હજી સુધી ફરિયાદ ન નોંધાતા અનેક અટકળો વહેતી થઈ છે. જાણવા મળ્યા મુજબ આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી છતી થતી હોવાથી પોલીસ આ કેસમાં ફૂંકીફૂંકીને છાશ પી રહી છે. ત્યારે જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકારને વેધક પ્રશ્ન કર્યો છે કે, હજી સુધી એફઆઈઆર દાખલ થઈ નથી તો સરકાર કોને બચાવવા માંગે છે ? અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્ર ૩ વાગ્યાની આસપાસ શ્રેય હોસ્પિટલના ચોથામાળે આવેલા આઈસીયુમાં આગ લાગતા કોરોનાની સારવાર લઈ રહેલા ૮ દર્દીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં હોસ્પિટલે તો તેનો બચાવ કરી પહેલાં જ હાથ અદ્ધર કરી લીધા છે કે, અમને મ્યુનિસિપલ તંત્રએ ભારે દબાણ કરી કોવિડ હોસ્પિટલ માટે મજબૂર કર્યા છે. પરંતુ અમે તો ૧પ કારણો આપી અમારી હોસ્પિટલ કોવિડના દર્દીઓની સારવાર માટે યોગ્ય નથી, એમ પહેલાં જ જણાવી દીધું હતું. આમ હવે કોર્પોરેશનની અને ફાયર બ્રિગેડની ખુલ્લી બેદરકારી બહાર આવે તેમ હોવાથી આ ઘટના પર ઢાંકપિછોડો કરવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ ઘટનાને ચાર-ચાર દિવસ થયા છતાં હજી સુધી ફરિયાદ ન નોંધાતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વેધક પ્રશ્નો કર્યા છે. ટિ્વટ કરી તેમણે જણાવ્યું છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં ૮ લોકોનાં મૃત્યુ થયા છે. હજી સુધી આ અંગે કોઈ એફઆઈઆર થઈ નથી. સરકાર કોને બચાવવા માંગે છે ? મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારજનોને કોણ ન્યાય અપાવશે ? શું સરકાર હાઈકોર્ટના ટકોરની રાહ જોઈ રહી છે ?