મ્યુનિ. દ્વારા પંચવટીનો સેન્ટ્રલ મોલ કોવિડ-૧૯ના નિયમ ભંગ બદલ સીલ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ ઉપરાંત અસંખ્ય ગ્રાહકો માસ્ક વિના જોવા મળ્યા

અમદાવાદ,તા.૯
અમદાવાદમાં અનલોક-૩ બાદ મોલ ખોલવાની પરવાનગી આપ્યા બાદ સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરાતા અનેક મોલને તંત્રએ સીલ મારવાની ફરજ પડી છે. મોલમાં પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત હોવા છતાં તેનું પાલન ન કરવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશને પંચવટી આંબાવાડી ખાતે આવેલો સેન્ટ્રલ મોલને બંધ કરાવવાની ફરજ પડી હતી.
કોરોનાની મહામારીને લીધે લદાયેલા લોકડાઉનને કારણે મોલ ચાર મહિના જેટલો સમય બંધ રહ્યા હતા. અનલોક-૩ બાદ મોલ ખોલવાની મંજૂરી મળતા મોલ સંચાલકોએ જુના માલનો નિકાલ કરવા ડિસ્કાઉન્ટ ઓફરથી માલ વેચવાની શરૂઆત કરી છે. પરિણામે મોટી સંખ્યામાં લોકો ડિસ્કાઉન્ટમાં ચીજ વસ્તુની ખરીદી કરવા ઉમટી પડે છે. જો કે રસ્તામાં માલ લેવાની લ્હાયમાં ગ્રાહકો અને માલનો નિકાલ કરવાની ઉતાવળમાં મોલ સંચાલકો ગાઈડલાઈનનું પાલન કરવામાં નિષ્ફળ નીવડતા તંત્રએ કાન આમળવાની ફરજ પડી છે.
આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે પંચવટી પાંચ રસ્તા પાસે આવેલા સેન્ટ્રલ મોલને સીલ કર્યો છે. આજે રવિવાર હોવાથી મોલમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જોવા મળ્યા હતા. લોકો મોલમાં માસ્ક વગર ફરતા હતા. ઉપરાંત મોલમાં આવેલા ચેન્જિંગ અને ટ્રાયલ રૂમ પણ દરેક લોકો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ થતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વસ્ત્રાપુરના એ- વન મોલ (આલ્ફા વન મોલ)ને પણ સીલ કરી દેવામાં આવ્યો હતો. હિમાલયા મોલમાં મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટને જ્યારે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર આવેલા સિનર્જી બિલ્ડિંગમાં ૧૧માં માળે આવેલી સેવિયર ફાર્માસ્યુટિકલ કંપનીમાં તમામ સ્ટાફ માસ્ક વગર કામ કરતો હોવાથી ઓફિસને સીલ મારવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં મોલ, ખાનગી ઓફિસો અને શો રૂમનું ચેકિંગ કરવામાં આવશે. જો પાલન થતું નહિ જણાય તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks