(એજન્સી) ભોપાલ, તા.૯
મધ્યપ્રદેશમાં ૭૯ વર્ષીય નિવૃત્ત પ્રોફેસર અને તેમની પુત્રીને બાળાઓની હેરાનગતિ અને બળાત્કાર બદલ સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં દોષિત પુત્રી વકીલ છે અને તેના દ્વારા એક અનાથઆશ્રમનું સંચાલન કરાતું હતું. પીડિત બાળકીઓ આ જ અનાથઆશ્રમમાં રહેતી હતી.
સ્પેશિયલ જજ અરૂણકુમાર વર્માએ ૭૯ વર્ષીય કે.એન. અગ્રવાલ અને પ૦ વર્ષીય તેમની પુત્રી શૈલા અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી હતી. આ બંનેને પોતાનું બાકી જીવન જેલમાં વિતાવવું પડશે. શૈલા જિલ્લામાં અનાથ છોકરીઓ માટે હોસ્ટેલ ચલાવતી હતી. શિવપુરીમાં ચાઈલ્ડ વેલ્ફેર સોસાયટી એન્ડ એ ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ફરિયાદ મળી હતી કે હોસ્ટેલમાં છોકરીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. આ ફરિયાદ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ૧૬ નવેમ્બર ર૦૧૬ના રોજ પોલીસે મહિલા અને તેના પિતા વિરૂદ્ધ બાળકીઓની શારીરિક છેડતીની ફરિયાદ નોંધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા પોતાના પિતાને બાળકીઓનું શારીરિક શોષણ કરવામાં મદદ કરતી હતી. બાળકીઓ જ્યારે આ અંગે ફરિયાદ કરતી તો તેમને માર મારવામાં આવતો હતો. હોસ્ટેલમાં ઘટના સમયે ર૩ છોકરીઓ રહેતી હતી. જેમાં છ માઈનોર હતી જેમની વય ૧૧ અને ૧૬ વર્ષ હતી જેમનું આ નિવૃત્ત પ્રોફેસર દ્વારા જાતિય શોષણ કરવામાં આવતું હતું.