નવી દિલ્હી, તા.૨૨
પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલમાં તો તમામ રેકોર્ડ તોડતો આવ્યો છે તેના નામે આ રમતમાં અનેક રેકોર્ડ છે પણ હવે રમતથી બહાર પણ રોનાલ્ડોએ હવે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોનાલ્ડોએ હાલમાં જ પોતાની એક યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. તેણે પોતાની આ નવી યુટ્યુબ ચેનલથી રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેણે યુટ્યુબ પર ફાસ્ટેસ્ટ ૧૦ લાખ સબ્સ્ક્રાઇબરનો રેકોર્ડ તોડી નાંખ્યો. તેના ૧૦ લાખ સબ્સ્ક્રાઇબર ફક્ત ૯૦ મિનિટમાં થઈ ગયા. રોનાલ્ડોના હવે યુટ્યુબ ચેનલ પર ૧ કરોડથી વધારે સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ટિ્વટર પર તેના ૧૧.૨૫ કરોડ ફોલોવર્સ, ફેસબૂક પર ૧૭ કરોડ તો ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ૬૩.૬૦ કરોડ ફોલોવર્સ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર બીજા કોઈના પણ રોનાલ્ડો જેટલા ફોલોવર્સ નથી. સૌથી શાનદાર ફૂટબોલરોમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલના સમયમાં અલ નાસર ક્લબ માટે સઉદી પ્રો લીગમાં રમી રહ્યો છે. બીજી બાજુ મેસ્સીએ પહેલી સપ્ટેમ્બર, ૨૦૨૧થી પોતાની ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. રોનાલ્ડોએ ૧૯ વીડિયો સાથે પોતાની શરૂઆત કરી છે. રોનાલ્ડોની ચેનલ ઝડપથી આગળ વધી રહી છે પણ યુટ્યુબ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સના મામલે મિસ્ટર બીસ્ટ ૩૧.૧ કરોડ સબ્સ્ક્રાઇબર સાથે આગળ છે.