‘યુદ્ધવિરામ’ની વર્ષગાંઠ પર ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં સાત લોકોનાં મોત, જેમાં એક બાળકીનો પણ સમાવેશ

(એજન્સી) તા.૧૧
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના ‘યુદ્ધવિરામ’ બાદથી ઇઝરાયેલી હુમલાઓમાં ઓછામાં ઓછા ૧,૪૮૧ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા સમર્થિત “યુદ્ધવિરામ” (જે માત્ર “નામ પૂરતો” જ હતો) અમલમાં આવ્યાના એક વર્ષ બાદ, સમગ્ર ગાઝામાં ઇઝરાયેલી હુમલાઓમાં આઠ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે. એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓના એક સૂત્રએ અલ જઝીરાને જણાવ્યું હતું કે, શનિવારે પશ્ચિમ ગાઝા શહેરના અલ-જવાઝત વિસ્તારમાં ઇઝરાયેલી ક્વાડકોપ્ટર ડ્રોન દ્વારા ૮ વર્ષીય શાહદ અબ્દુલ-રઝાક અલ-નજ્જારની હત્યા કરવામાં આવી હતી. શહેરની અલ-શિફા હોસ્પિટલે જણાવ્યું હતું કે, ગાઝા શહેરના તે જ વિસ્તારમાં હૈદર અબ્દેલ શફી રાઉન્ડઅબાઉટ નજીક ઇઝરાયેલના એક અલગ બોમ્બ હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલે જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વ ગાઝા શહેરના તુફાહ વિસ્તારમાં ઇઝરાયેલી ડ્રોન હુમલામાં વધુ એક પેલેસ્ટીનીનું મોત થયું હતું. દક્ષિણ શહેર ખાન યુનિસમાં, શનિવારે અગાઉ થયેલા ઇઝરાયેલી હુમલામાં ઘાયલ થયેલી એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગાઝા શહેરમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયેલા સ્વજનો માટે લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત શનિવારે, ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ૧૦ ઓક્ટોબરે કહેવાતા યુદ્ધવિરામ અમલમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧,૪૮૧ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે અને ૫,૨૫૪ લોકો ઘાયલ થયા છે. મંત્રાલયે ઉમેર્યું કે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી ગાઝા પર ઇઝરાયેલના નરસંહારક યુદ્ધમાં ઓછામાં ઓછા ૭૪,૩૭૦ લોકો માર્યા ગયા છે અને ૧,૭૫,૩૭૧ લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયેલી હુમલાઓમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને ૬૫ ઘાયલ થયા છે; આ ઉપરાંત, અગાઉના ઇઝરાયેલી હુમલામાં થયેલી ઈજાઓને કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અલ જઝીરાના તારેક અબુ અઝુમે શનિવારે ગાઝાથી અહેવાલ આપ્યો હતો કે “યુદ્ધવિરામ”ને કારણે આ વિસ્તારમાં અનિશ્ચિતતા માત્ર વધી છે. “નરસંહારની ગતિમાં કોઈ ફેરફાર થયો નથી,” તેમણે કહ્યું. “ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથ અને તેથી જ લોકો માને છે કે તેના પરિણામો માત્ર તાત્કાલિક જાનહાનિ કરતાં ઘણા વધારે છે.” શુક્રવારે, ૧૦૦થી વધુ માનવતાવાદી, માનવ અધિકાર અને નાગરિક સમાજ સંગઠનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધવિરામ માત્ર નામ પૂરતો જ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “યુદ્ધવિરામ માત્ર નામનો છે; ઇઝરાયેલી દળો દરરોજ પેલેસ્ટીનીઓની હત્યા અને તેમને ઘાયલ કરવાનું ચાલુ રાખી રહ્યા છે અને સહાય, સાધનો તથા પુનઃનિર્માણ સામગ્રી પરના પ્રતિબંધોને કારણે પરિવારો ફરીથી બેઠા થઈ શકતા નથી.” ‘વફા’ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઇઝરાયેલી વસાહતીઓએ પેલેસ્ટીની ખેડૂતોને માર માર્યો, તેમના પર પેપર સ્પ્રેનો છંટકાવ કર્યો, તેમની સંપત્તિની ચોરી કરી અને તેમના ઘરો પર હુમલા કર્યા. તેમણે ઇઝરાયેલી લશ્કરી દળોની મદદથી હુમલા દરમિયાન ઘણા પેલેસ્ટીનીઓની અટકાયત પણ કરી હતી. રામલ્લાહ અને અલ-બિરેહ ગવર્નરેટમાં, વસાહતીઓએ સૈન્ય સાથે મળીને ખેડૂતોને તેમની જમીન છોડવાની ફરજ પાડી અને પાછા ન આવવાની ધમકી આપી. બે ખેડૂતોને માર મારવામાં આવ્યો અને તેમના પર પેપર સ્પ્રે છાંટવામાં આવ્યો, જ્યારે વસાહતીઓએ એક વાહન અને તેમના ફોન ચોરી લીધા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks