મોડાસા,તા.૪
આરોગ્ય ક્ષેત્રની તબીબી સારવાર ઝડપી અને એકદમ નજીવા દરે ગરીબ અને નિઃસહાય દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકાય તેવા નેક આશયથી યુનિટી જનસેવા ટ્રસ્ટ મોડાસા, સંચાલિત હજીયાણી મરીયમબેન બાબુભાઈ ટાઢા નામકરણથી અલ્ફેસાની હોસ્પિટલ મોડાસા શહેરમાં કાર્યરત કરી દેવામાં આવી છે. મોડાસા શહેરમાં વર્ષોથી શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્યની સેવાકીય સંસ્થાઓનો પાઢો નાંખી કાર્યરત કરવામાં બાબુભાઈ ટાઢાનો અગ્રીમ રોલ હોય છે તે જ રીતે સમાજના ગરીબ, નિઃસહાય તથા અન્ય લોકોને આરોગ્યની પ્રાથમિક તબીબી સારવાર અત્યંત નજીવા દરે માત્ર રૂા.૧૦માં ઉપલબ્ધ કરાવી આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સેવાનો પ્રારંભ મોડાસા શહેરના ડુધરવાડા રોડ પર અલ્ફેસાની હોસ્પિટલના સ્વરૂપમાં શરૂ થઈ ગયો છે. આ હોસ્પિટલમાં ગ્લુકોમીટર, નેબ્યુલાઈઝર, પલ્સ ઓકિસમીટર સહિતની પ્રાથમિક જરૂરી સારવાર નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યુનિટી જન સેવા ટ્રસ્ટના પ્રમુખ ગુલામ મોહંમદ ભુરા, ઉપપ્રમુખ મો. સલીમ સાબલિયા, સેક્રેટરી રઈસભાઈ મોડાસીયા તથા કારોબારી સભ્યો અને હોસ્પિટલના ચેરમેન ઉસ્માનગની મનવા, સેક્રેટરી સલીમભાઈ પટેલ અને ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો દ્વારા આ સેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જયારે હોસ્પિટલના સલાહકાર ડો. વસીમ સુથાર, ડો. ઈમરાન ઈપ્રોલિયા અને ડો. જુનેદ દઘાલિયાવાલા છે.