(એજન્સી) તા.૧૨
યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) અને તેના ભાગીદારોએ ઓકટોબર મહિનામાં ઘેરાયેલા ગાઝા પટ્ટીમાં વિસ્થાપિત પેલેસ્ટીની પરિવારોની શાળાઓ પર ઈઝરાયેલી કબજાવાળા દળો દ્વારા ઓછામાં ઓછા ૬૪ હુમલાઓનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં ઓછામાં ઓછા ૧૨૮ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા છે, આ દરરોજના બે હુમલા સમાન છે. શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, યુએન એજન્સીએ જણાવ્યું કે ઓકટોબરમાં શાળાઓ પર ઇઝરાયેલના હુમલા સાથે, ઘેરાયેલા પ્રદેશ પર ઇઝરાયેલના વિનાશક યુદ્ધની શરૂઆતથી આ પ્રકારના હુમલાઓની કુલ સંખ્યા ૨૨૬ પર પહોંચી ગઈ છે, જેના પરિણામે એક લાખથી વધુ લોકોના મોત થયા છે. બાળકોને વિસ્થાપિત કરવા પડ્યા છે. રિપોર્ટમાં યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેથરિન રસેલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, શાળાઓ ક્યારેય યુદ્ધની આગળની લાઇન પર ન હોવી જોઈએ અને બાળકો જ્યારે આશ્રય શોધે છે ત્યારે તેમના પર ક્યારેય અંધાધૂંધ હુમલો ન કરવો જોઈએ. તેમણે, ‘ગાઝામાં આપણે જે ભયાનકતા જોઈ રહ્યા છીએ તે માનવતા માટે એક કાળી મિસાલ સ્થાપિત કરી રહી છે, જેમાં વર્ગખંડની અંદર સલામતી શોધતી વખતે બોમ્બથી બાળકોને મારવામાં આવે છે. તેમને આઘાત અને નુકસાન એ રોજિંદી બાબત બની ગઈ છે.’ તાજેતરના અંદાજો અનુસાર, ઓકટોબરમાં નોંધાયેલા લગભગ અડધા હુમલાઓ ઉત્તરી ગાઝામાં થયા હતા, જ્યાં ઈઝરાયેલે ઓકટોબરમાં તેના બૉમ્બમારા ઝુંબેશને વધુ તીવ્ર બનાવી હતી, જેના કારણે સામૂહિક વિસ્થાપન અને અપૂરતી સહાય બાળકો સહિત નાગરિકો સુધી પહોંચી હતી. વિસ્થાપિત પરિવારોને આશ્રય આપવા ઉપરાંત, કેટલીક શાળાઓ જરૂરિયાતમંદ લોકો માટે કુપોષણ સારવાર કેન્દ્રો પણ પ્રદાન કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે શાળાઓ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ સંરક્ષિત વિસ્તારો છે, તેમ છતાં ઓકટોબર ૨૦૨૩ સુધીમાં, ગાઝાની ૯૫ ટકાથી વધુ શાળાઓ આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામી છે. તેમાં જણાવ્યું કે ૮૭ ટકા શાળાઓને તેમની કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક પુનઃનિર્માણની જરૂર પડશે.