(એજન્સી) તા.૧
યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)એ બુધવારે જણાવ્યું હતું કે, માર્ચમાં તણાવ વધ્યા ત્યારથી લેબેનોન પરના ઇઝરાયેલી હુમલાઓમાં ૨૬૧ બાળકો માર્યા ગયા છે અને ૧૦૫૬ બાળકો ઘાયલ થયા છે. સંસ્થાએ બાળકો અને યુવાનોના ભવિષ્ય પર આ વણસી રહેલા સંકટની અસર અંગે ચેતવણી પણ આપી હતી. ‘એન એન્ડ્યુરિંગ નાઈટમેર’ (એક કાયમી દુઃસ્વપ્ન) શીર્ષકવાળા અહેવાલમાં યુનિસેફે જણાવ્યું હતું કે, લગભગ ૪૩૬ શાળાઓને નુકસાન થયું છે અથવા તે નાશ પામી છે, જેના કારણે લગભગ ૧,૦૦,૦૦૦ બાળકો શિક્ષણ છોડી દેવાના જોખમમાં મૂકાયા છે. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, ૮૬ શિક્ષકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. યુનિસેફે કહ્યું કે, આર્થિક અને માનવીય સંકટને કારણે વધુને વધુ પરિવારો પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ બની રહ્યા છે; લેબેનોનમાં પાંચમાંથી ચાર પરિવારો આ જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે, સર્વેક્ષણમાં સામેલ ૨૨ ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, તેમના બાળકો છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ભૂખ્યા પેટે સૂવા ગયા હતા. દરમિયાન ૩૧ ટકા પરિવારોએ કહ્યું કે, તેઓ તેમના બાળકોને જરૂરી સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડવામાં અસમર્થ હતા કારણ કે, તેઓ તેનો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. યુનિસેફે બાળકો પર સંકટની માનસિક અસર વિશે પણ ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે, લેબેનોનમાં લગભગ ૭,૭૦,૦૦૦ બાળકોએ છેલ્લા છ મહિનામાં માનસિક તણાવનો અનુભવ કર્યો છે. લેબેનોનમાં યુનિસેફના પ્રતિનિધિ માર્કોલુઇગી કોર્સીએ કહ્યું કે, બાળકો અને યુવાનો એવો બોજ ઉઠાવી રહ્યા છે જે ‘કોઈ પણ બાળકે ઉઠાવવો ન જોઈએ’. તેમણે ચેતવણી આપી હતી કે, જો તાત્કાલિક અને સતત પગલાં લીધા વિના આ સંકટ ચાલુ રહેશે, તો તેની સમગ્ર પેઢી પર લાંબા ગાળાની અસરો પડી શકે છે.